GSTV ફોટોગ્રાફ્સ

નસવાડી: હાલમાં નસવાડી બરોલી પ્રાથમિક શાળાના નવા બિલ્ડીંગના થઇ રહેલા બાંધકામમાં ફ્લોરિંગના પૂરાણમાં હાર્ડમોરમ માટી પુરી તેના ઉપર મશીન દ્વારા પીચીંગ કરી પાણી છાતીને કામગીરી કર્યા વગર જ કોંક્રિટનો માલ પાથરી દીધા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

Decision news ને મળેલી માહિતી મુજબ નસવાડી તાલુકાના બરોલી ગામે 1 કરોડથી વધુના ખર્ચે પ્રાથમિક શાળાના બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે. વર્ષો પછી બિલ્ડીંગ સરકારે મંજૂર કરતા તેની કામગીરી સર્વ શિક્ષા અભિયાનના ઇજનેરો દ્વારા કરવામાં આવી રહી છે. બરોલી ગ્રામ પંચાયતના સરપંચ જ્યારથી બિલ્ડીંગનું કામ શરૂ થયું ત્યારથી કામની ગુણવતા જળવાતી ન હોવાની રજૂઆતો ઇજનેરોને કરી હતી. પરંતુ, સરપંચની રજૂઆત ધ્યાને ન લેતા ગ્રામજનો આખરે કંટાળી જઈને શાળાના બિલ્ડીંગના કામમાં ગુણવતા ન જળવાતી હોવાનો દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા.

સ્થાનિકોએ કહ્યું કે, કોન્ટ્રાક્ટરો વિકાસની મલાઈ ખાવા આડેધડ કામ કરતા હોય છે. આ ભ્રષ્ટાચારને લઈને જિલ્લા કલેકટરને આ બાબતે પત્ર લખી કામની તપાસ કરાવવા માંગ કરી હતી. આદિવાસી વિસ્તારમાં કરોડો રૂપિયાના વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટરો આવી રીતના કામગીરી કરીને પોતાનો વિકાસ કરી રહ્યા છે. જેને લઇ આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.