ખેરગામ: ગુજરાત રાજય સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લાના પ્રમુખ ડો. નીરવ પટેલ દ્વારા લાંબા સમયથી કરાર આધારિત સરકારી તબિબોને કાયમી કરવા અને અન્ય લાભો આપવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ ગુજરાત રાજયમાં ઘણા વર્ષોથી 11 માસ કરાર આધારિત નોકરી કરતા સરકારી તબિબોની રાજય સરકાર દ્વારા પૂર્ણકાલીન ભરતી નહિ કરાતા તબિબોમાં નિરાશા વ્યાપી હતી.ઉપરાંત તેઓએ કોરોનાની જીવલેણ મહામારી સમયે જીવના જોખમે આપેલી માનદ સેવાઓ બદલ સરકારે ઈન્સેન્ટિવ આપવાની જાહેરાત કરેલ હતી.પરંતુ તબીબોને હજુસુધી ઈન્સેન્ટિવ પણ મળેલ નથી.આ બાબત સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજયના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા અને નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલને ધ્યાને આવતા તેમણે ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરાર આધારિત સરકારી તબિબોની વેદના લેખિતમાં રજુ કરી તેઓને પૂર્ણકાલીન કરવા સાથે તમામ સરકારી લાભ આપવા સાથે કોરોનાના સમયે કરેલા કામો માટે અન્યાય દૂર કરી ઈન્સેન્ટિવ આપવાની માંગ કરી હતી.
આ બાબતે મીડિયા સાથેની વાતચીત કરતા ડો.પ્રદીપભાઈ ગરાસિયા અને ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે આરોગ્યસેવા સાથે સંકળાયેલ તબિબોએ કોરોના મહામારી જેવા સમયે ખુબ જ ખંતથી કામ કરી પોતાના જીવના જોખમે લાખો લોકોના જીવ બચાવ્યા હતાં.તેમજ રાજયમાં અનેક જગ્યાએ તબિબોની અછત વર્તાય છે ત્યારે લાંબા સમયથી ગરીબ લોકોની સેવા માટે સરકારી નોકરી સ્વીકારતા કરાર આધારિત તબિબોને પ્રોત્સાહિત કરવા કાયમી કરવા જોઈએ અને તેઓને મળવાપાત્ર તમામ સરકારી લાભો આપવા જોઈએ.

