દાહોદ: દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક દા શાળામાંથી છ વર્ષની પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીની લાશ મળી હતી. આ બાળકીની હત્યા તેની શાળાના આચાર્યે કરી હોવાનું સામે આવતા હાલ તેની ધરપકડ કરવામાં આવી છે.
મૃતકની માતાએ જણાવ્યું કે, 19મી સપ્ટેમ્બરના રોજ તેમણે દીકરીને શાળાના આચાર્ય ગોવિંદ નટે સાથે તેમની કારમાં મોકલી હતી. જેથી પોલીસે આચાર્ય અને શાળાના શિક્ષકોની પણ પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન આચાર્યએ પહેલાં જણાવ્યું હતું કે, બાળકીને હું મારી કારમાં બેસાડીને શાળામાં લાવ્યો હતો પરંતુ ગાડીમાંથી ઉતરીને ક્યાં ગઈ તેની મને ખબર નથી. જે બાદ હું મારી રોજિંદા કામ કરવા લાગ્યો હતો. સાંજે શાળા છૂટ્યા બાદ હું મારા ઘેર જતો રહ્યો..
આચાર્યની વાત સાંભળીને પોલીસને તેની કડક પૂછપરછ કરી તો.. બાળકીને ગાડીમાં બેસાડયા બાદ તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી. જેથી બાળકી બૂમાબૂમ કરવા લાગી હતી. જેથી તેને ચૂપ કરવા મોઢું દબાવી દીધું હતું. જેથી તે બેભાન થઈ ગઈ હતી. વિદ્યાર્થિનીને ગાડીની પાછળની સીટમાં મૂકી શાળામાં લઈ આવ્યો હતો. શાળા છૂટ્યા બાદ પરત જતી વખતે જાતે જ બાળકીને શાળાના ઓરડા અને કમ્પાઉન્ડની દીવાલ વચ્ચે મૂકી દીધી હતી. આટલું જ નહીં, બાળકીની સ્કૂલ બેગ, ચંપલ તેના વર્ગખંડ બહાર મૂકી દીધા હતા. આ કબૂલાત બાદ પોલીસે આચાર્ય ગોવિંદ નટની ધરપકડ કરી છે. આચાર્યના મોબાઈલ ફોનનું ટેકનિકલ એનાલિસિસ પણ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક ઘટસ્ફોટ થયા હતા.
બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, તેનું મોઢું દબાવીને મારવામાં આવી છે. જેથી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ મામલે જિલ્લાની એલસીબી તેમજ અન્ય બ્રાન્ચો અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ તપાસ હાથ ધરાઈ હતી.