વલસાડ: ધરાસણા ગામમાં એક રેતી ભરેલી ટ્રક ચાલકે ચેકિંગથી બચવા કંચન ફળિયામાં એક મકાનના આંગણામાં ટ્રક ઉતારી ટર્ન મારવા જતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા અને ગ્રામજનોએ ટ્રક અટકાવી ધમાલના દ્રશ્યો સામે આવ્યા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ધરાસણા ગામના કંચન ફળિયામાંથી પસાર થતી એક રેતી ભરેલી ટ્રકના ચાલકે ચેકિંગથી બચવા ભાગવાના પ્રયાસમાં રોડ પર આવેલા એક ઘરના આંગણામાં ટ્રક ઘુસાડી દીધી હતી. આથી પરિવારના સભ્યોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ત્યાર બાદ ઘર માલિક વિરલભાઈએ ટ્રકને રસ્તા પર અટકાવી ગામ લોકોને જાણ કરી હતી. આથી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને તાત્કાલિક ડુંગરી પોલીસ અને વલસાડ ખાણ ખનીજ વિભાગને પણ જાણ કરતા ટીમો દોડતી સ્થળ પર પહોંચી હતી. ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતી ભરેલા ટ્રકને કબજે કરી હતી.

ત્યાર બાદ ત્યાંથી પસાર થતા રેતી ભરેલા અન્ય એક ટ્રક ચાલક અને માલિક સાથે પણ ગામ લોકોની બબાલ થઈ હતી. અને મામલો ઉગ્ર બનતા બંને પક્ષો વચ્ચે ઝપાઝપી અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. માહોલ ગરમાતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. બેફામ દોડતી રેતી ભરેલી ટ્રક પર લગામ લાગે તેવી લોકો માંગ કરી રહ્યા છે.