વાંસદા: ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણની સ્થિતિ ખોરવાઈ રહી છે ત્યારે તેને નાથવા વૃક્ષારોપણ કરવાની તાતી જરૂરીયાત ઉભી થઇ છે ત્યારે ગતરોજ વાંસદા તાલુકાનાં રંગપુર ગામ ખાતે જયપાલસિંહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક યુવાઓ સાથે મળીને વૃક્ષારોપણ કરાયું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાનાં રંગપુર ગામમાં આવેલા મેદાનમાં જયપાલસિંહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક યુવાઓ સાથે મળીને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુલમોહર, લીમડા અને પીપળા જેવા વૃક્ષોનું રોપણ કરાયું હતું. આ પ્રસંગે જયપાલસિંહ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શિવાની ચૌધરી અને ટ્રસ્ટી સુનીલ માહલા પણ હાજર રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમમાં રંગપુર ગામના નવયુવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનવ્યો. શિવાની ચૌધરીનું કહેવું હતું કે જયપાલસિંહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રકૃતિ અને પર્યાવરણની જાળવણી માટે, “આવો સૌ સાથે મળી પર્યાવરણનું જતન કરીએ ” નાં સૂત્રથી એક પહેલ કરવામાં આવી છે.

