નર્મદા: ગરુડેશ્વર તાલુકાના કેવડિયા ગામનો રહેવાસી અને એકતાનગર રેલ્વે સ્ટેશનની સામે પાર્કિગમાં જમીન ગુમાવનાર અસરગ્રસ્ત ખેડૂત ગણપતભાઇ શંકરભાઈ તડવી BSNLના ટાવર પર વહેલી સવારથી ઉપરથી કૂદીને આત્મહત્યા કરવાના ઇરાદે ચઢી ગયો હતો. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે આસપાસથી પસાર થતા સ્થાનિકો જોઈ જતાં તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરતાં યુવકને ઉતારવા પોલીસ અને વહીવટી તંત્ર દોડી આવ્યાં હતાં અને ફાયરબ્રિગેડ દ્વારા નીચે ઉતારવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ યુવક બસ એક જ વાત કરી રહ્યો છે, જ્યાં સુધી ‘ચૈતર વસાવા મને ન્યાય નહીં અપાવે ત્યાં સુધી નીચે નહીં ઊતરું, જો ન્યાય ન મળ્યો તો અહીં જ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લઈશ જેની સંપૂર્ણ જવાબદારી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને SOU સત્તા મંડળની રહશે.’

મહત્વનું છે કે, કેવડિયા ગામનો રહીશ પોતાની માગણી ન સંતોષાતાં અને નર્મદા કલેકટર, SOU સત્તા મંડળના અધિકારીઓ જોડેથી ફક્ત ઉડાઉ જવાબો મળતાં આજે વહેલી સવારનો BSNLની ટાવર પર આત્મહત્યા કરવાની ચીમકી સાથે ચડી ગયો છે. આ બાબતે કેવડિયા કોલોનીના આગેવાન રણજિત તડવીએ ગણપતભાઇ તડવી સાથે ટેલિફોનિક વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અમારું કોઈ સાંભળતું નથી, છેલ્લાં 5 વર્ષથી અમને ધક્કા ખવડાવે છે. વડીલોપાર્જિત જમીનો નિગમે લઈ લીધી અને હવે હોટલો અને મોલ બનાવવા ઉદ્યોગપતિઓને ઊચા ભાવે વેચી રહ્યા છે.

અમારી જમીન અમને પાછી આપો, નહીં તો અમને અન્ય જગ્યાએ જમીન, યોગ્ય વળતર આપોની માગ સાથે સ્થાનિકોને રોજગારી આપવા માટેની પણ યુવકે માગ કરી હતી. એટલું જ નહીં, તાજેતરમાં કેવડિયા સત્તામંડળ દ્વારા વિવિધ વિભાગોમાં ભરતીપ્રક્રિયા કરતા કરવામાં આવી પરંતુ સ્થાનિકોનો સમાવેશ કરતા નથી, અને સરકારે માત્ર ખોટા ખોટા વચનો આપી સપનાઓ બતાવ્યા કે, સ્થાનિકોને રોજગારી મળશે પરંતુ સ્થાનિકોની બાદબાકી કરી અને બહારના લોકોને ભરતી કરતાં ગણપતભાઇ રોષે ભરાયા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો મારી માગણી પૂરી નહીં થાય તો હું ઉપર ગળાફાંસો ખાવાનું લઈને આવ્યો છું. ચૈતર વસાવાને અહીં બોલાવો અને મને ન્યાય અપાવડાવો. જો યોગ્ય જવાબ અને ન્યાય નહીં મળે તો હું નીચે ઉતરવાનો નથી ને અહીં જ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લઇશ.

ગણપતભાઇએ અનેક વાર CEO એકતાનગર સત્તામંડળને કેટલીક બાબતોની માગ લેખિતમાં આપી હતી, પરંતુ એકતાનગર સત્તામંડળ અધિકારીઓ રાજાશાહી ચલાવવા માંગે છે, અધિકારીઓ સ્થાનિકોની કોઈ વાત ન સાંભળતા હોવાથી આવું પગલું ભર્યું હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે, પરંતુ ગણપતભાઇને મોબાઈલ ટાવર પરથી નીચે ઉતારવા તંત્ર અને પોલીસ મહેનત કરી રહી છે. હવે ગણપતભાઇ ટાવર ઉપરથી ટેલિફોન કરીને પોતાની માગ કરી રહ્યા છે અને ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી છે. હવે જોવું એ રહ્યું કે માગ સ્વીકારાય ખેડૂતને ન્યાય મળશે કે નહિ.