સેલવાસ: આજરોજ સેલવાસના શહેરી વિસ્તારમાં સાંજના સમયે ટ્રાફિક સમસ્યા વધી ગઈ છે. સેલવાસ શહેરની ફરતેથી પાસ થતા રિંગ રોડ ખરાબ થતા વાહન ચાલકો સેલવાસ શહેરના મુખ્ય માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે વધુમાં સાંજના સમયે વિવિધ કંપનીઓના કામદારોને લેવા મુકવા આવતી બસોની સંખ્યા પણ ખૂબ જ વધુ છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ જે સેલવાસના શહેરી વિસ્તાર જેવા કે આમલી ફુવારા, કિલવણી નાકા વિસ્તરમાંથી પસાર થાય છે જેના કારણે સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા વધી જતી હોય છે. વધુમાં હાલ રિંગ રોડના રસ્તા પણ ખખડધજ થઈ જતા ભારે વાહનો પણ સેલવાસ શહેરમાંથી પસાર થઈ રહયા છે.જેથી ટ્રાફિક વધુ વકરી રહ્યો છે.રિંગ રોડ પરથી ભારે વાહનોનું સીધા સેલવાસ શહેરમાં પ્રવેશ માટેનું એક કારણ દિશા સૂચક નિર્દેશનોનો અભાવ પણ હોવાનું બહાર આવી રહ્યું છે.જેના કારણે રિંગ રોડનો ઉપયોગ કરવાના બદલે ભારે વાહનો સીધા સેલવાસ શહેરમાં પ્રવેશ કરી લે છે. વધુમાં સેલવાસ શહેરના મુખ્ય માર્ગ ઉપર ભારે વાહનો આડેધડ પાર્ક કરાઈ રહ્યા છે જે પણ ટ્રાફિક માટે સમસ્યા ઉભી કરે છે.
આ મામલામાં દાનહ આર.ટી.ઓ અને દાનહ ટ્રાફિક વિભાગ દ્વારા ધ્યાન આપવા જેવું છે.સેલવાસ શહેરમાં ભારે વાહનોની પ્રવેશ બંધી કરવી અથવા તો ટ્રાફિકના કલાકોમાં ભારે વાહનોની પ્રવેશબંધી કરવી જરૂરી બની છે.દાનહ આર.ટી.ઓ અને ટ્રાફિક વિભાગ દ્વારા ભારે કંપનીઓની બસો, ભારે વાહન જેવા કે ટ્રક વગેરેના શહેરમાં પ્રવેશ માટેના નિયમ બનાવી એનું પાલન કરવામાં આવે એ જરૂરી બન્યું છે નહીં તો આવનારા સમયમાં સેલવાસ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધુ વકરે એની સંભાવના છે.