વ્યારા: આદિવાસી સંસ્કૃતિની પરંપરા અનોખી છે ત્યારે વ્યારા તાલુકાના આદિવાસી ચૌધરી સમુદાયમાં બળેવના દિવસે ખેતરોમાં ઉભા પાકમાં કોઇ જીવાત ના પડે એનો ખૂંટ (મહયઅ) નાંખી કુદરત સાથે ટેક રાખવાની અનોખી પરંપરા જોવા મળે છે.

Decision News ને મળેલી માહિતી મુજબ શ્રાવણ મહિનાની બારસે ‘બલવુ’, ‘બલવો’ કે ‘બળેવ’ની પૂજા કરવામાં આવે છે. બળેવ ના દિવસે ખેતરમાં રહેલા ઊભા પાકમાં ખૂંટ (મહયઅ) રોપવાની પરંપરા રહેલી છે. બળેવ ના દિવસે સવારે ખેડૂત ખજુરી, સાગ,ખાખરો, અથવા અન્ય કોઈ વૃક્ષની ડાળી લાવે. ઘરનાં આંગણામાં સળગતું લાકડું મુકવામાં આવે. એની ઉગમણી તરફ લાવેલ બધી ડાળીઓને એ ધૂપની ઉપરથી ફેરવી ધૂપ આપવામાં આવે. ત્યારબાદ ઘર નજીક આવેલા ઉકરડા ઉપર પહેલી ડાળી ખોસવામાં આવે. ત્યારબાદ ખેતરમાં કે વાડામાં વચ્ચોવચ આ ડાળીને ઉભી ખોસી દેવામાં આવે. આ ડાળીઓ ‘મહયએ’ નામથી ઓળખાય. કેટલાક વિસ્તારોમાં ઘર ઉપર પણ મહયઆ નાખવાની પરંપરા જોવા મળે છે.

મહયએ ખોસવાથી જે તે જગ્યાની માલિકી નક્કી થાય. મહયઆને ધૂપ આપવામાં આવેલ હોવાથી એ સુરક્ષિત રહેશે એવી શ્રધ્ધા. ખેતરોનો પાક તૈયાર થઈ જાય પછી કાપણી વખતે મહયઆ ની નજીકની એક ‘થૂબળી’ (થોડો ભાગ) કાપ્યા વગરની રાખવામાં આવે જે મહયઆ સાથે બાંધી દેવામાં આવે જેને ચોકીદાર નો ‘વીરુ’ (મહેનતાણું) ગણવામાં આવે છે.