ખેરગામ: 24 કલાકમાં સાડા છ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્તા તાલુકામાંથી પસાર થતી તાન, માન અને ઔરંગા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થઇ છે અને તાલુકાના ત્રણ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતાં લોકોએ લાંબો ચકરાવો લેવાની નોબત આવી હતી. ભારે વરસાદને પગલે ખેતરો પણ છલકાઈ ઉઠતા ધરતી પુત્રો ડાંગરની રોપણીમાં જોતરાયા હતા. ખેરગામ તાલુકામાં રવિવારના સાંજથી જ પવનના સુસવાટા સાથે તેજ ગતિએ વરસાદ શરૂ થઈ ગયો હતો અને સાંજે 4થી સવારના6 વાગ્યા સુધીમાં108 મિમી વરસાદ વરસ્યો હતો.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ સવારે છ વાગ્યા બાદ તો મેઘરાજા વરસતા સાંજે 4 વાગ્યા સુધીના 10 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. ખેરગામ પંથકમાં નોંધપાત્ર વરસાદથી ખેતરો પણ તરબોળ થઈ જતા ખેડૂતો પૂરજોશમાં ડાંગરની રોપણીમાં જોતરાયા હતા. આ ઉપરાંત સુરણ, કંદ, હળદર જેવા પાકોના ખેતરોમાં પાણી ભરાતા તેના નિકાલ માટે પણ ખેડૂતોએ તજવીજ કરી હતી.
ઉપરવાસમાં પણ વરસાદને પગલે તાલુકામાંથી પસાર થતી તાન, માન અને ઔરંગા સહિતની લોકમાતાઓ બે કાંઠે વહેવા સાથે પૂરનીસ્થિતિ સર્જાઇ હતી. જેથી ખેરગામ તાલુકાના ત્રણ માર્ગો પર લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયા હતા. જેમાં ઔરંગા નદી ઉપરના નાંધઈ -ગરગડીયાનો પુલ જે ખેરગામ અને વલસાડ તાલુકાને જોડતો અતિ ઉપયોગી માર્ગ બંધ થયો હતો. ખેરગામના બહેજ, કૃતિખડક અને ધરમપુરના ભાંભા ગામને જોડતો અને ખેરગામ તાલુકાના ચીમનપાડા અને ધરમપુર તાલુકાના મરગમાળને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો.