ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી ખાતે જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ભાજપના ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું. મનસુખભાઇ વસાવા સતત સાત ટર્મથી લોકસભામાં ભરૂચનું પ્રતિનિધિત્વ કરે છે. અગાઉ તેઓ કેન્દ્રીય પ્રધાનમંડળમાં આદિજાતિ વિકાસ મંત્રી તરીકે પણ નીમાયા હતા.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાઇ ગયેલ લોકસભાની સામાન્ય ચુંટણીમાં ભરૂચ બેઠક માટે સતત સાતમી ટર્મ માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે તેમની પસંદગી થતાં રસાકસી વચ્ચે પ્રતિષ્ઠાની ગણાતી ભરૂચ બેઠક પર તેઓ વિજયી થતાં લાંબા સમયથી લોકસભામાં ભરૂચના પ્રતિનિધિ તરીકે ચાલુ રહ્યા હતા. ત્યારે ગતરોજ ઝઘડિયા જીઆઇડીસી એસોસિએશન દ્વારા સાંસદ મનસુખભાઇનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ઝઘડિયા જીઆઇડીસી એસોસિએશનના ચેરમેન અશોક પંજવાણી, રાજેશ નાહટા તેમજ અન્ય કંપની સંચાલકો ઉપરાંત ભરૂચ જિલ્લા ભાજપા આદિજાતિ મોરચાના મંત્રી વિનોદભાઇ વસાવા,જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાસદીયા, ભાજપા યુવા કાર્યકર દિનેશ વસાવા, જગદીશભાઇ વસાવા, સહિતના ભાજપા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જીઆઇડીસી એસોસિએશન દ્વારા રસ્તા સહિતના વિવિધ પ્રશ્નો બાબતે સાંસદને રજુઆત કરવામાં આવી હતી. સાંસદ મનસુખભાઇ વસાવાએ જીઆઇડીસીમાં સ્થાનિક યુવાનોને રોજગારી ક્ષેત્રે પ્રભુત્વ મળે તેનું ખાસ ધ્યાન રાખવા કંપની સંચાલકોને અનુરોધ કર્યો હતો.