ડેડીયાપાડા: નર્મદા જિલ્લામાં છેલ્લા 10 દિવસથી વરસાદ નોંધાયો નથી પરંતુ 26 થી 30 જૂન દરમિયાન ભારે પવન અને વાવાઝોડા માં ડેડીયાપડા તાલુકાના પાનખલા ગામે નિશાળ ફળિયામાં એક મહાકાય વૃક્ષ વીજ લાઇન પર તૂટી પડ્યું હતું, જેના કારણે પાનખલા ગામના નિશાળ ફળિયામાં 60 જેટલા ઘરોમાં તેમજ અહીં આવેલી પ્રાથમિક શાળામાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ ગ્રામજનોએ વારંવાર સ્થાનિક લેવલે તેમજ સુરત DGVCL ની મુખ્ય કચેરી પર પણ કંપલેન્ટ નોંધાવિ હતી, આજે 15 દિવસ થવા છતાં વીજ કંપનીના કર્મચારીઓ વીજ પુરવઠો ચાલુ કરવા આજદિન સુધી આવ્યા નથી, આ વિસ્તારમાં શાળામાં ભણતા બાળકો સહિત સ્થાનિકો લાઈટ ના હોવાથી છેલ્લા 15 દિવસથી પરેશાની ભોગવી રહ્યા છે, ધરસાઈ થયેલા વૃક્ષને હટાવવા કોઈ ના આવતા આખરે ગ્રામજનોએ જાતે સ્વંભાંડોળ ફાળો ભેગો કરી વૃક્ષ કાપવાનું મશીન ભાડે થી લાવીને ઝાડ કાપી દબાઈ ગયેલા વીજ વાયરો બહાર કાઢ્યા હતા અને વીજ કર્મીઓને કામગીરી કરવા જગ્યા કરી હતી, તેમ છતાં આજ દિન સુધી વીજ કર્મીઓ ન આવતા પાનખલા ગામના નિશાળ ફળિયામાં અંધારપટ છવાતા ગ્રામજનો પરેશાની ભોગવી રહ્યા છે.
આ વિસ્તાર ફોરેસ્ટ વિસ્તાર હોવાથી અવાર નવાર સરીશ્રુપો દેખાતા હોય છે, નર્મદા જિલ્લામાં સાપ કરડવાના કિસ્સાઓ ડેડીયાપાડા તેમજ સાગબારા તાલુકામાં વધુ નોંધાય છે, ત્યારે રાતના સમયે લાઈટો ના હોવાથી ગ્રામજનો ભયના ઓથા હેઠળ હાલ જીવી રહ્યા છે, જોકે વિકાસની વાતો કરતી સરકાર આવા ગ્રામ્ય જંગલ વિસ્તારમાં લોકોને પડતી મુશ્કેલીનું સર્વે કરે એ જરૂરી બન્યું છે.

