વાપી: વલસાડ જિલ્લાના વાપી તાલુકા નજીકના ગામથી એક સ્થાનિકે 181 અભયમ મહિલા હેલ્પ લાઇન ઉપર કોલ કરી જણાવ્યું કે, એક અજાણી મહિલા રેલવે ફાટક ઉપર આપઘાત કરવા માટે આવી છે. આ કોલ મળતા જ વલસાડની 181 અભયમ ટીમ તાત્કાલિક જણાવેલા સરનામે પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કરી તેનો જીવ બચાવી સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપી હતી.

Decision news ને મળેલી માહિતી અનુસાર, દમણ નજીકના એક ગામમાં રહેતી 27 વર્ષીય યુવતીએ વર્ષ 2017માં બીજા લગ્ન કર્યા હતા. આ લગ્નસંબંધથી બે બાળકો જન્મયા હતા. બંને બાળકને વતનમાં દાદા દાદી પાસે મુકી પતિ -પત્ની દમણમાં કામ ધંધા અર્થે ભાડાના મકાનમાં રહેતા હતા. પતિને વ્યસનની કુટેવ રહેતા કાયમ નાની-મોટી બાબતે કારણો વગર ઝગડો કરી પત્નીને શારીરિક-માનસિક ત્રાસ આપી ખોટી શંકા કરી હેરાન કરતો હતો. આજ રોજ પણ વ્યસન કરી મારઝૂડ કરી હતી, જેથી અસહ્ય ત્રાસના કારણે કંટાળેલી મહિલા જીવન ટૂંકાવવા રેલવે ફાટક પહોંચી ગઈ હતી ત્યારે એક સ્થાનિક રહીશનું ધ્યાન પડતા પરિણીતાને રોકી હતી. તેણીએ પોતાની આપવીતી જણાવતા ૧૮૧ અભયમની મદદ લીધી હતી.

પરિણીતાનું કાઉન્સેલિંગ કરી તેનો કબજો સુરક્ષિત રીતે તેની બહેન અને જીજાજીને સોંપવામાં આવ્યો હતો. પતિ પરિણીતા સાથે હવે દૂર્વ્યવહાર ન કરે તે માટે કાઉન્સેલિંગ કરતા કાયદાનું ભાન કરાવી સ્થાનિક પોલીસને જાણ કરતા પતિ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ, મહિલાને સુરક્ષિત જોઈ પરિવારે 181 અભયમ ટીમ વલસાડનો હૃદયથી આભાર માન્યો હતો.