નર્મદા:- નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ગઢ ગામમાં ટેકવાડા ફળિયામાં રહેતા શ્રી મોહનભાઇ રામજીભાઇ વસાવાએ છેલ્લા ૩ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યાં છે. ૬ એકર જમીનમાં આંતરિક પાકની ખેતી કરે છે. જેમાં સીઝન પ્રમાણે અનેક પ્રકારના પાકોનું વાવેતર કરી ખેડૂતમિત્રોને ઉદાહરણરૂપ બને છે.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ શ્રી મોહનભાઇ સાથેની વાતચિતમાં જણાવ્યું હતુ કે, શરૂઆતમાં રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરતા હતા, ત્યારે પાકમાં વધારો થતો જ હતો પણ દર વર્ષે રાસાયણિક ખાતરનો બમણો ખર્ચ જોવા મળતો અને જમીનની ગુણવત્તામાં પણ નડતરરૂપ જોવા મળતુ હતું. ત્યારે મારા ગામના પ્રગતિશિલ ખેડૂતશ્રી મથુરભાઇ વસાવા છેલ્લા ૫ વર્ષથી આંતર પાકની ખેતી કરી નર્મદા સહિત આજુબાજુના જિલ્લાઓને ખેડૂત મિત્રોને મદદરૂપ બને છે. તેમના પાસેથી મને પ્રાકૃતિક ખેતી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આત્મા પ્રોજેક્ટના અંગે માહિતી મળી હતી.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રીઓ દ્વારા તાલીમ મેળવીને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રયાણ કર્યું. ૬ એકર જમીનમાં શરૂઆતમાં દેશી ડાંગર, કપાસ અને મિશ્ર પાકની વાવણી સાથે આંબાની ૮૦૦ જેટલી કલમ બનાવી છે. જેમાથી મને બમણી આવક મળે છે.

શ્રી મોહનભાઇ આંબાની કલમ અંગે વધુ માહિતી આપતા જણાવ્યુ કે, આંબાની કલમ કરવા માટે ઓછી મહેનતની જરૂર પડે છે અને એક વર્ષની મહેનત વર્ષો સુધીની આવક આપે છે. આ વર્ષથી આંબાને કેરીઓ લાગવાની શરૂઆત થઇ છે. જેમાં મને ૨૫ મણ જેટલી કેરીઓની આવક મળી હતી. જે ગામના લોકોને કેરીનો સ્વાદ ચખાડ્યો હતો. આ વર્ષે ૫૦૦ જેટલી નવી આંબાની કલમનો ઉછેરવાની છે. મને ખાત્રી છે કે, આવનાર દિવસોમા મને બમણી આવક મળશે. શ્રી મોહનભાઇને જીજી આર.સી. દ્વારા ડ્રીપ ઇરીગેશન સિસ્ટમ ઇન્સ્ટોલ અને બાગાયત વિભાગમાંથી આંબાની કલમની સહાય મળેલ છે.

પ્રાકૃતિક ખેતીએ આત્મનિર્ભર ભારત બનાવવાનું પ્રથમ પગલું માનવામા આવે છે. જે દેશી ગાય આધારિત ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો નહિવત ઉપયોગ કરી ઓછા ખર્ચે ખેતી કરવા માટે રાજ્ય સહિત નર્મદા જિલ્લાના ખેડૂતોને સરકારશ્રી દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ તમામ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની સમજની સાથે તાલુકા ક્લસ્ટર દીઠ ખેડૂતોને તાલીમ આપીને ખેડૂત મિત્રોને પ્રોત્સાહિત કરવામા આવી રહ્યાં છે.