ડેડિયાપાડા: વર્તમાનમાં ડેડીયાપાડા વિસ્તારમાં આવેલી મોડેલ સ્કૂલની દુર્દશા બેઠી છે. મોડેલ સ્કૂલમાં વિધાર્થીઓને ભણાવવા માટે સ્કૂલમાં છ શિક્ષક છે જેમાંથી પાંચ શિક્ષકો 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર છે. આજે સ્કુલ શરુ થયાના અઠવાડિયાથી વધુ સમય થવા આવ્યો છે પણ શિક્ષકોનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં ના આવતા વિધાર્થીઓનો અભ્યાસના નામે મીઠું જોવા મળી રહ્યું છે.
ડેડિયાપાડા વિસ્તારમાં આવેલી મોડેલ સ્કૂલમાં અંધેર વહીવટ ચાલતો હોય તેમ લાગી રહ્યું છે. બાળકોના ભવિષ્યની કોઇને પડી નથી. મોડેલ સ્કૂલમાં ધોરણ 6 થી 12ના વર્ગ ચાલે છે. 440 આદિવાસી વિધાર્થીઓ અભ્યાસ કરે છે. વિધાર્થીઓ મોટા મોટા ચોપડા લઇને સ્કૂલમાં તો આવે છે પણ ભણાવવા વાળા શિક્ષકો નથી.
GSTVના અહેવાલ મુજબ ડેડિયાપાડાની મોડેલ સ્કૂલની મુલાકાત લેવામાં આવી ત્યારે સવારે 8.30 વાગ્યા સુધી વિધાર્થીઓની હાજરી હતી પણ શિક્ષકો જોવા મળતા ન હતા અને આચાર્ય ઓફિસમાં બેસી રહ્યાં હતા. શનિવારની સમૂહ પ્રાર્થના પણ કરવામાં આવી નહતી અને સ્કૂલમાં કચરાના ઢગલા જોવા મળ્યા હતા, સાફ સફાઇ પણ કરવામાં આવી નહતી.
શિક્ષક અને આચાર્ય વચ્ચેની લડાઇને કારણે વિધાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. ક્લાસમાં વિદ્યાર્થીઓની હાજરી તો છે પણ શિક્ષકોની હાજરી હોવા છતા પણ હાજર નથી. ડેડિયાપાડા મોડેલ સ્કૂલનું કરોડ રૂપિયાનું બિલ્ડિંગ શિક્ષણ વિના અને શિક્ષકો વિના શોભાના ગાંઠિયા સમાન ભાસે છે.

