રાજપીપલા: સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂન- શુક્રવારના રોજ 10 મા ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી થવા જઈ રહી છે. યોગ થકી માનવ જીવનના આરોગ્યની ગુરૂચાવીની ભેટ ભારત દેશે સમગ્ર વિશ્વને આપી છે. ત્યારે નર્મદા જિલ્લો પણ જાણે આજે યોગમય બની રહ્યો છે.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ નર્મદા જિલ્લા કક્ષા સહિત તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવાની છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકો અને બાળકો દ્વારા યોગાભ્યાસ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણીને સફળતા અપાવવા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોતાની ભાગીદારી નોંધાવી આ દિવસની ઉજવણીમાં સહભાગી થવા જિલ્લાના નાગરિકોને- આમજનતાને પણ અપીલ કરી રહ્યા છે. જિલ્લાનું વહિવટી તંત્ર પણ સૌને સહભાગી બનવા જાહેર અપીલ કરે છે. જિલ્લાના આઈકોનિક સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણી કરાશે.

જિલ્લાની શાળાઓમાં થઈ રહેલી વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે યોગાભ્યાસ, ચિત્ર સ્પર્ધા, પ્રભાત ફેરી, રેલી, પ્લેકાર્ડ, સૂત્રોચ્ચાર વગેરેના માધ્યમથી શાળાના બાળકો અને શિક્ષકો ગામલોકોને યોગ દિવસની ઉજવણી અંગે જાગૃતિ સંદેશો પાઠવી રહ્યા છે. તેને સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. તા.૨૦ મી જૂન-૨૦૨૪ને ગુરૂવારના રોજ સવારે નવરચના પ્રાથમિક શાળા સાગબારાના SPC કેડેટ દ્વારા આંતર રાષ્ટ્રીય યોગા દિવસની પૂર્વતૈયારીના ભાગરૂપે યોગાભ્યાસ કર્યો હતો.

એકતાનગર સ્થિત સ્વામીનારાયણ સ્કૂલ, વલ્લભ વિધ્યાનિકેતન-ભદામ, મહાત્મા ગાંધી વિદ્યા મંદિર સિસોદરા, સાર્વજનિક માધ્યમિક શાળા-રોઝદેવ, સરકારી માધ્યમિક શાળા ફૂલસર, સરકારી માધ્યમિક શાળા ઉમરવા, સરકારી માધ્યમિક શાળા – અલમાવાડી, સી.જે.પટેલ વિદ્યામંદિર-લાછરસ, સરકારી માધ્યમિક શાળા ચોપડવાવ સહિતની શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સ્વૈચ્છિક સંસ્થાઓ , યુવાગ્રૃપ દ્વારા પણ યોગ દિવસની ઉજવણી માટે સજ્જ બન્યા છે અને ઉત્સાહ પૂર્વક સહભાગી થવા જઈ રહ્યા છે.