ડાંગ: રાજ્ય સરકારની માહિતી નિયામકશ્રીની કચેરી દ્વારા મળેલી સૂચના અનુસાર, હાથ ધરવાની થતી પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત, ડાંગ જિલ્લા માહિતી કચેરી, આહવા તેમજ સાપુતારા સ્થિત પ્રદર્શન કેન્દ્ર ખાતે સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને કારણે, સરકારી કચેરીઓની વિવિધ પડતર જગ્યાઓમાં પાણીનો સંગ્રહ થતા રોગચાળો ફેલાવાની શક્યતાઓ નિવારવા કચેરીઓમાં વિશેષ સાફ સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ડાંગ જિલ્લા માહિતી કચેરીમાં પણ સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી. આહવા ખાતે કાર્યરત જિલ્લા માહિતી કચેરીના પ્રાંગણની સાફ સફાઈ તેમજ છતની સાફ સફાઈ કરી, વરસાદી પાણીનાં યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

જયારે ગિરિમથક સાપુતારા ખાતે કાર્યરત પ્રદર્શન કેન્દ્ર ખાતે ઝાડના ખરેલા સુકા પાંદડાનો કચરો, પાર્કિંગ એરિયામાં જામેલા ઝાડી ઝાંખરા તેમજ કચેરી અંદરના અને કચેરીના બહારના વિસ્તારો, ટેરેસ/ધાબાની સાફ સફાઈ હાથ ધરાઇ હતી. પ્રિ-મોન્સૂન સાફ સફાઈની કામગીરીથી વરસાદ દરમ્યાન થતા મચ્છરો, જીવ જંતુઓથી અને કચરામાંથી ભેજની દુર્ગંધથી બચી શકવા સાથે, વરસાદ દરમ્યાન કચેરી સ્વચ્છ અને સુઘડ રહે તે માટે સહાયક માહિતી નિયામક શ્રી મનોજ ખેંગારના માર્ગદર્શન હેઠળ કચેરીના સરકારી કર્મયોગીઓ, તથા આઉટ સોર્સના કર્મચારીઓએ, સ્વચ્છતા અંગે પૂરતી તકેદારી રાખવી, અન્ય સંભવિત આપત્તિઓને નિવારવા માટે વિવિધ કામગીરીઓ હાથ ધરી હતી.