નવસારી: નાયબ બાગાયત નિયામકની કચેરી, અસ્પી બાગાયત મહા વિધાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- નવસારીના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ યુનીવર્સીટી સ્થિત અસ્પી બાગાયત મહાવિધાલય ખાતે નવસારી કૃષિ યુનીવર્સીટીના સંશોધન નિયામકશ્રી ડૉ. ટી.આર.અહલાવતના અધ્યક્ષસ્થાને અને મુખ્ય મહેમાન તરીકે નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાની ઉપસ્થિતિમાં આંબા પાક પરિસંવાદ અને કેરી પ્રદર્શન યોજાયું હતું.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ આ પ્રસંગે 200 થી વધુ ખેડુતોએ કુલ ૭૯ જાતની વિવિધ પ્રકારની કેસર, રાજાપુરી, દશેરી, સોનપરી, આમ્રપાલી જેવી પ્રચલિત કેરીની જાતોને પ્રદર્શનમાં મુકાઈ હતી. જેમાં પ્રાકૃતિક ઠબે આંબાપાકમાં ખેતી કરતા ખેડૂતોને પ્રાકૃતિક કેરી પકવવા બદલ સર્ટિફિકેટ અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. તથા કેરી પ્રદર્શનની હરીફાઈમાં વિવિધ કેટગરીમાં કુલ ૧૯ ખેડૂતોને સર્ટીફીકેટ સાથે રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા. આંબા પાક પરિસંવાદમાં નવસારી યુનીવર્સીટીના કૃષિ વૈજ્ઞાનિકો, બાગાયત અધિકારીઓએ કેરીના વાવેતરથી લઈને રોપની પસંદગી, રોગ નિવારણના પગલાઓની ટેકનીકલ તથા રીસર્ચ બેઇઝ વિગતો આપી ખેડૂતોના પ્રશ્નોના નિકાલ પ્રશ્નોતરી સંવાદના માધ્યમથી ચર્ચા કરી હતી.
આ પ્રસંગે નવસારીના જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાએ જણાવ્યું હતું કે, નવસારી કૃષિ યુનીવર્સીટી નવસારીના
આંગણે હોય જેનો સીધો લાભ નવસારીના ખેડૂતોને સતત મળતો આવ્યો છે. ચીકુની સાથે કેરીનું ઉત્પાદન કરવામાં નવસારીના ઉદ્યમી ખેડૂતો અગ્રેસર છે. આંબાના પાકમાં વાવેતરથી લઈને રોગના નિયંત્રણ માટે કૃષિ વૈજ્ઞાનિકોના સંપર્કમાં રહીને યોગ્ય પધ્ધતિથી કરવામાં આવે તો ચોક્કસ ઉત્પાદન વધારી શકાય છે. પ્રાકૃતિક ખેતી પધ્ધતિનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે તે સમયથી માંગ હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે સંશોધન નિયામકશ્રી ડૉ. ટી.આર.અહલાવતના જણાવ્યું કે, ખેડુતોએ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ આગળ વધવા જણાવ્યું હતું. આ અવસરે સંયુકત બાગાયત નિયામકશ્રી એચ.એમ.ચાવડાએ રાજય સરકારની બાગાયતની સહાયકારી યોજનાઓ વિશે ખેડુતોને માહિતગાર કર્યા હતા. કૃષિ યુનિ.ના સંશોધન વૈજ્ઞાનિક ડો.બી.એમ.ટંડેલે નવા બગીચાઓ બનાવવા માટે લેવામાં આવતી તકેદારીઓ વિશે જણાવતા કહ્યું કે, જે વિસ્તારમાં જાતોની ડિમાન્ડ હોય તેનું વાવેતર કરવું. જો કેસરનું વાવેતર કરવામાં આવે તો ક્રોસ પોલીનેશન થાય તે માટે થોડા અંતરે સોનપરી, તોતાપુરી જેવી જાતોનું વાવેતર કરવું, સોનપરીની જાતમાં વાતાવરણની અસર ઓછી થતી હોવાથી ઉત્પાદન સારૂ મળે છે. જેની કલમ માટે નવસારી કૃષિ. ખાતે અગાઉથી રજીસ્ટ્રેશન કરીને મેળવી શકાય છે. આંબાના થડથી પાંચફુટ બાદ ખાતર આપવા તેમજ અન્ય પાકમાં થતા રોગોની સામે રક્ષણ મેળવવા અંગેની જાણકારી પણ આપી હતી.
આ પ્રસંગે નાયબ બાગાયત નિયામકશ્રી ડી.કે.પડાલીયાનવસારી , કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. કિંજલ શાહ, અસ્પી બાગાયત મહા વિધાલયના આચાર્યશ્રી ડૉ.અલકા સીંઘ ,ડૉ વી.આર.નાયક તેમજ તેમજ મોટી સંખ્યામાં આંબાની ખેતી કરતા ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.