ડેડીયાપાડા: ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા સાગબારા તાલુકાના પીએસઆઇ અને તેમનો સ્ટાફ એક નજીવી બાબતે કોઈપણ ફરિયાદ વગર આદિવાસી યુવાનોને ઊંચકી જાય છે. અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં એક રૂમમાં ગોંધી રાખીને તેમને ઢોર માર મારે છે. તાત્કાલિક સારવાર માટે આ યુવાનોને સાગબારાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને વધુ સારવાર માટે રાજપીપળાની જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે. આજે તેઓ ગંભીર ઇજાના કારણે સારવાર હેઠળ છે. તે લોકોએ તારીખ 6 જુનના રોજ પોલીસ અધિક્ષક અને કલેકટરને લેખિત ફરિયાદ આપી છે કે અમારી સાથે આ રીતની ઘટના ઘટી છે અને તેની તપાસ થવી જોઈએ. તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ પણ તપાસ થઈ નથી અને કાર્યવાહી પણ થઈ નથી.

આજે અમે પોલીસ અધિક્ષક, કલેક્ટર, રેન્જ આઈજી , ડીઆઈજીને લેખિતમાં જાણ કરી છે કે આમાં તાત્કાલિક તપાસ થવી જોઈએ અને જે પણ લોકો આમાં જવાબદાર છે તેમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ વિસ્તારમાં આદિવાસી વિરોધી માનસિકતા ધરાવનાર પોલીસો દ્વારા અવારનવાર આવા બનાવો બને છે. લોકો પોલીસ પર વિશ્વાસ ગુમાવી બેઠા છે અને જે પોલીસને સુરક્ષા અને સલામતી માટે મૂકવામાં આવી છે તે જ લોકો ભય પેદા કરી રહ્યા છે અને ભક્ષક બની રહ્યા છે. અમે આ પ્રકારની ઘટનાઓને ચલાવવા દઈશું નહીં. અમારો સમગ્ર સમાજ આવી ઘટનાઓને ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે અને ખૂબ જ આક્રોશમાં છે.

અમે સંવિધાનમાં માનવાવાળા લોકો છીએ માટે અમે પોલીસ અધિક્ષક અને કલેકટરને કહેવા માંગીએ છીએ કે આ ઘટનાની યોગ્ય તપાસ થાય અને યુવાનોને ન્યાય મળે. અમારો સવાલ છે કે પોલીસને શું તકલીફ છે અને શા માટે તેઓ લોકોને હેરાન કરે છે? આટલો બધો દારૂ ટ્રકો ફરી ભરીને આવે છે અને પોલીસ સ્ટેશનની આજુબાજુમાં તેના ધંધા ચાલે છે તેમ છતાં પણ ત્યાં કેમ પોલીસ કોઈ પગલા ભરતી નથી. અમે પોલીસને કહેવા માંગીએ છીએ કે હાલ આ મુદ્દા પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે નહીંતર આવનારા સમયમાં અમને રસ્તા પર ઉતરવા મજબૂરું થવું પડશે અને પોલીસ સામે અમે ખૂબ જ મોટું આંદોલન કરીશું.