આહવા: ડાંગ જિલ્લાના શ્રી બજરંગી સાર્વજનિક વિવિધ કાર્યકારી મંડળ, ધવલીદોડ દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૪મા જિલ્લાના આહવા, વઘઇ અને સુબિર તાલુકામાં સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સુબિર તાલુકામાં તારીખ ૧૯ મે ના રોજ મહાલ, તથા તારીખ ૨૪ મે ના રોજ માળગા ખાતે, વઘઇ તાલુકામાં તારીખ ૨૬ મે ના રોજ શિવારીમાળ ખાતે, અને આહવા તાલુકામાં તારીખ ૩૧ મે ના રોજ ધવલીદોડ ખાતે સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ શ્રી બજરંગી સાર્વજનિક વિવિધ કાર્યકારી મંડળ, ધવલીદોડ દ્વારા ૨૩ મા આદિવાસી સમૂહ લગ્ન મહોત્સવમાં ચાલુ વર્ષે આશરે ૭૦૦થી વઘુ નવ દંપતીઓ એક તાતણે જોડાયા હતા. આ સમૂહ લગ્ન મહોત્સવમાં સંસ્થા તરફથી વર/કન્યાને કપડાં તથા વાસણોની ભેટ, લગ્ન નોંધણી પ્રમાણ પત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના વડા શ્રી રમેશભાઇ ગાંગુર્ડેએ જણાવ્યું હતુ કે, સાંપ્રત સમયમાં દેખાદેખીના કારણે સમાજમાં સંધર્ષમય જીવન જીવતા પરિવારો, ખોટા ખર્ચાઓથી લગ્ન આયોજન કરી, પાયમાલી નોતરી રહ્યા રહ્યા છે. ત્યારે સંસ્થા દ્વારા સમાજના નબળા વર્ગના લોકોના લગ્નો યોજી તેમને મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ આદિવાસી સંસ્કૃતિ અને પ્રકૃત્તિનું સંવર્ધન અને સંરક્ષણ કરવાની આપણી સામુહિક જવાબદારી છે. તેમ પણ તેમણે વધુમાં ઉમેર્યું હતુ.
શ્રી રમેશભાઇ ગાંગુર્ડેના જણાવ્યા અનુસાર શ્રી બજરંગી સાર્વજનિક વિવિધ કાર્યકારી મંડળ, ધવલીદોડ દ્વારા વર્ષ ૨૦૦૧ થી શરૂ કરવામાં આવેલ લગ્ન મહોત્સવમાં આજદિન સુધી કુલ ૧૨,૨૦૦ થી વઘુ યુગલોએ સમૂહ લગ્ન મહોત્સવનો લાભ લીધો છે. આહવા તાલુકાના ધવલીદોડ ખાતે યોજાયેલ સમૂહ લગ્ન મહોત્સવમાં ડાંગ સામાજિક કાર્યકરો અને અગ્રણીઓ સર્વશ્રી વિજયભાઇ પટેલ, પી.પી. સ્વામીજી, ભરતભાઇ ભોયે, હર્ષિદાબેન ગાંગુર્ડે, રમેશભાઇ ભોયે, શ્રી સુભાષભાઇ ગાઇન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.











