વલસાડ:  રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25માં સીડ રીપ્લેસમેન્ટ રેટ(SRR)માં વધારો કરવા અંગેની 100% રાજ્ય પુરસ્કૃત યોજના અમલમાં મુકેલી છે, જે અંતર્ગત ખેડૂતોને ખેતી પાકોનું ગુણવત્તાયુક્ત બિયારણ મળી રહે અને વધુ ઉત્પાદન આપતી નવી જાતો અપનાવી તેનો વ્યાપ વધે અને ઉત્પાદનમાં વધારો થાય તેમજ સીડ રીપ્લેસમેન્ટ રેટ વધે તે માટે જુદા જુદા ખેતી પાકોના પ્રમાણિત બિયારણ વિતરણ ઘટક અંતર્ગત વધુ ઉત્પાદન આપતી 15 વર્ષથી ઓછી ઉમરની જાતોમાં ફક્ત સર્ટીફાઇડ(પ્રમાણિત) જાતોના બિયારણ વિતરણ માટે સહાયથી ઉપલબ્ધ કરવામાં આવે છે.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ આ યોજના અંતર્ગત વલસાડ જિલ્લાના ખેડૂતો પણ ડાંગર બિયારણ એટસોર્સ સહાય દરે (ખેડૂતોને સબસીડીની રકમ બાદ કર્યા બાદ જ કિંમત ભરવાની રહેશે)થી વધુમાં વધુ ૨ હેકટર ની મર્યાદામાં મેળવી શકશે. સહાયના ધોરણો અનુસાર ડાંગર (જાત: GAR-13, GNR-3, GR-17 વગેરે) બિયારણની કિંમતના 50% પ્રતિ કિગ્રા, વધુમાં વધુ રૂ.20/- પ્રતિ કિલોગ્રામ બિયારણ મળવાપાત્ર રહેશે, બિયારણનો દર હેકટરે ૨૫ કિલોગ્રામ રહેશે. જિલ્લાના ખેડૂતો પોતાની નજીકના ગુજરાત રાજ્ય બીજ નિગમ લિ.ના અધિકૃત ડીલર, ગુજકોમાસોલના અધિકૃત ડીલર અને નેશનલ સીડ કોર્પોરેશનના અધિકૃત ડીલર પાસેથી સહાય દરે બિયારણ મેળવી શકશે.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી(ખેતી)  મદદનીશ ખેતી નિયામક(તા.મુ.) અને જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.