વલસાડ: તાજેતરમાં જ સાહિત્યસેતુ વ્યારા અને નંદિગ્રામ ( વાંકલ) આયોજિત સર્જનાત્મકતાના વિકાસ માટે એક દિવસીય લેખન કૌશલ્ય શિબિરનું આયોજન થયું હતું. શબ્દના સાધક એવા સાંઈ મકરંદ દવે અને કુન્દનિકા કાપડિયાની કર્મભૂમિ અને પવિત્રસાધનાઆશ્રમ એવા નંદિગ્રામમાં સવારથી જ સર્જકો અને નવોદિતોનું ઉમળકાભેર આગમન થયું હતું.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ શિબિરમાં વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી મણીલાલ ભુસારા તથા વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દારાસિંગ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં અતિથિ વિશેષ તરીકે વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ ધરમપુરના નિવૃત પ્રિન્સીપાલ ડૉ. ઉત્તમભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લેખનકૌશલ્ય માટે પ્રેરણાદાયી વાતો કરી અને લોકસાહિત્ય તથા લોકબોલીમાં લેખન માટે અનુરોધ કર્યો હતો. નંદિગ્રામના ટ્રસ્ટી ડૉ. અમીબેન પરીખે સાંઈ મકરંદ દવે અને કુન્દનિકા કાપડિયાની સેવા અને સાહિત્યનો પરિચય કરાવ્યો હતો. સાહિત્ય સેતુના પ્રમુખ નૈષધ મકવાણા, ઉપપ્રમુખ આશિષ શાહ, અને મંત્રી પ્રા.ગીતાબેન મકવાણાએ સૌનું સ્વાગત કર્યું હતું.
શિબિરમાં ગઝલના સ્વરૂપ અને છંદ વિશે પૂર્ણિમાબેન ભટ્ટ ‘ શબરી ‘ એ ખૂબ જ સરસ છણાવટ કરી સમજણ આપી હતી. જ્યારે ટૂંકીવાર્તા લેખન સંદર્ભે જાણીતા વાર્તાકાર ધર્મેશ ગાંધી ( નવસારી )એ વિવિધ ઉદાહરણો સાથે વિસ્તૃત સમજણ આપી હતી અને વાર્તા માટેના વિવિધ ઘટકો સમજાવ્યા હતા. જ્યારે મહેશ ઢીંમરે બાળસાહિત્ય સર્જન માટે બાળમાનસને સમજવા સાથે વિવિધ ઉદાહરણો સાથે સરસ સમજણ આપી હતી. શિબિરમાં સુરત, ભરુચ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લા માંથી લગભગ 60 જેટલા સર્જકો અને નવોદિતો સહભાગી થયા હતા. શિબિરના અંતે કવિ સંમેલનમાં સર્જકોએ પોતાની કૃતિ રજૂ કરી હતી. સમગ્ર શિબિરનું સંચાલન નૈષધભાઈ મકવાણા (વ્યારા) તથા રાજેશ પટેલ ( સિદુમ્બર ) સરસ રીતે કર્યું હતું.

