વલસાડ-ડાંગ: ગતરોજ લોકસભાની વલસાડ-ડાંગ બેઠક પર સાંજના 5 વાગ્યા સુધીમાં 68.12 મતદાન થયાનું જાણવા મળ્યું છે જેમાં સવાર થી લઈને સાંજ સુધી આદિવાસી ગામડાના મતદાન મથકો પર લોકોએ પોતાના ઉમેદવારને ખોબલે- ખોબલા મતો આપ્યા હતા.

Decision News એ મેળવેલી માહિતી મુજબ સવારે 7 થી 8 વાગ્યા અને 8 થી 10 ટકા સરેરાશ મતદાન જોવા મળ્યું હતું ત્યાર બાદ બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 28.12 ટકા જેટલું મતદાન થયાનું સામે આવ્યું અને પછી ધીરે ધીરે મતદાન વધવા લાગ્યું. વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, પારડી, વલસાડના અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં મતદાન વધુ થતાં ટકાવારી વધી હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. સાંજના 5 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી વધીને 68.12 ટકા થઇ અને 6 વાગ્યા સુધીમાં તો લગભગ 72 ટકા મતદાન નોંધાયું હોવાનું કહેવાય છે.

ગ્રામ્ય વિધાનસભા મતની વાત કરીએ તો 177 વિધાનસભા વાંસદા-ST- 69.44 ટકા, 173 વિધાનસભા ડાંગ ST -74.48 ટકા,  178 વિધાનસભા ધરમપુર ST -71.19 ટકા, 181 વિધાનસભા કપરાડા ST– 74.46 ટકા, 182 વિધાનસભા ઉમરગામ ST- 61.72 ટકા, 179 વિધાનસભા વલસાડ – 65.09 ટકા, 180 વિધાનસભા-પારડી– – 62.69 ટકા મતદાન થયાનું નોંધાયું છે.  એમ કહેવાય છે કે ગુજરાતમાં વલસાડ બેઠક પર સાંજે 5 વાગ્યા સુધીમાં સૌથી વધુ 68.12 ટકા મતદાન નોંધાયું હતું. અમુક વિસ્તારોમાં બપોરના સમયે ગરમીના કારણે પોલીગબુથ સુમસામ હોવાનું સુત્રો પાસેથી માહિતી મળી હતી.

વલસાડ બેઠક પર થયેલા આ વધુ મતદાન INDIA ગઠબંધનના ઉમેદવાર અનંત પટેલ કે ભાજપના ઉમેદવાર ધવલ પટેલ કે અન્ય અપક્ષ ઉમેદવાર કોને ફાયદો કરાવશે તેની લોકચર્ચા હવે આદિવાસી લોકોની વધુ વસ્તી ધરાવતાં ગામડે ગામડે થવા લાગી છે.