વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના અંકલાછ ગામમાં આવેલી સહ્યાદ્રી ગીરીજન મહિલા વિકાસ મંડળ કામળઝરી સંચાલિત નાનીબા કન્યા આશ્રમ શાળામાં આશ્રમ શાળા સંચાલકોની બેદરકારીના કારણે છાત્રાઓને સાથે ફૂડ પોઇઝનિંગની ઘટના બનવા પામી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ અંકલાછ ગામની નાનીબા કન્યા આશ્રમશાળામાં અભ્યાસ કરતી 151 છાત્રાઓ અભ્યાસ કરે છે જેમાં 64 જેટલી છાત્રાઓને અચાનક ઝાડા ઉલટી થતા અને તબિયત લથડી જતા અફરા તફરી મચી ગઈ હતી. આ મુદ્દે શિક્ષિકાઓએ ટ્રસ્ટીને જાણ કરતા મહિલા ટ્રસ્ટીએ આશ્રમશાળા પર આવી છાત્રાઓની હાલત જોઈ હતી અને તેમણે મેડિકલ વિભાગના કર્મચારીઓને જાણ કરી બોલાવ્યા હતા. આ ખબર આદિવાસી વિસ્તારોમાં વાયુવેગે પ્રસરી જતા છાત્રાઓના માં-બાપના દહેશત ફેલાઈ ગઈ હતી

4 છાત્રાઓ વાંસદાની કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. નવસારી જિલ્લા મેડિકલ અધિકારી ડો. ભાવેશ અને આશ્રમશાળા અધિકારી સુજીત પ્રજાપતિએ દૂધ સંજીવની યોજના હેઠળ આપવામાં આવેલ દૂધ પીવાને કારણે લથડી હોવાનું મીડિયાને જણાવ્યું હતું. જો કે તેઓએ દૂધ સંજીવની સિવાય તેમને આપવામાં આવેલ ભોજન પણ કારણભૂત હોઈ શકે, તે સિવાય બીજા કારણો પણ હોઈ શકે તેમ એમ કહ્યું હતું.

ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના કર્મચારીઓ દ્વારા છાત્રાઓને આપવામાં આવેલ દૂધ સહિત ભોજનની સામગ્રીઓનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. સેમ્પલની ચકાસણી કર્યા બાદ કયા કારણે છાત્રાઓની તબિયત લથડી છે તેનું કારણ સ્પષ્ટ થશે. પરંતુ આ ઘટનામાં આશ્રમશાળાના સંચાલકોની પણ બેદરકારી જણાઇ રહી છે ત્યારે તંત્ર દ્વારા આશ્રમશાળામાં સચોટ ચકાસણી કરવામાં આવે અને જો કોઈ કસૂરવાર હોય તો તેની સામે કાયદેસર પગલાં ભરવામાં આવે એવી સમયની માંગ ઉઠવા પામી છે.

આશ્રમશાળાની મહિલા સંચાલક માહિતી આપવાને બદલે સરકારી અધિકારીઓની સામે પોતાની અકડ દાખવી મીડિયા કર્મીઓને દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું ચર્ચા થઇ રહી છે.