ચીખલી-વાંસદા રાજ્ય ધોરીમાર્ગ પર કોલેજ સર્કલથી માણેકપોર વચ્ચે ચોમાસાના ખાડાઓમાંથી માંડ મુક્તિ મળી તો હવે ડામરની સપાટી ઉપસી આવતા ઉબડ ખાબડ સપાટીથી વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાની નોબત આવી છે.વાહન વ્યવહારથી ધમધમતા ચીખલી વાંસદા રાજ્ય ધોરીમાર્ગ પર કોલેજ સર્કલથી માણેકપોર સુધીની લંબાઈમાં કવોરી વિસ્તારના કારણે ભારે વાહનોની અવરજવર વચ્ચે ટ્રાફિકનું ભારણ વિશેષ પ્રમાણમાં રહેતું હોય છે.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ આ વિસ્તારમાં માર્ગ મકાન વિભાગના ઉદાસીન વલણના કારણે ચોમાસામાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે માર્ગ પર પાણી ભરાઈ રહેતા ઠેર ઠેર માર્ગની સપાટી તૂટી જવા સાથે મસમોટા ખાડાઓ પડતા હોય છે અને અવાર નવાર ટ્રાફિક પણ અવરોધાતો હોય છે. આ ખાડાઓ પૂરી માર્ગ મકાન વિભાગ રિકાપેન્ટિંગ કરતા વાહન ચાલકોને રાહત થઈ હતી. જોકે રિકાર્પેંટિગના થોડા સમયમાં જ કોલેજ સર્કલથી માણેકપોર સુધીની લંબાઈમાં ઠેર ઠેર ડામરનો ભાગ ઉપસી આવતા અને ડામરની સપાટી પણ તૂટી જતાં માર્ગની સપાટી ફરી અસમતલ બનતા ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત જેવો ઘાટ સર્જાયો છે.
આ રીતે માર્ગની સપાટી ઊંચી નીચી થતાં ખાસ કરી ને દ્વીચક્રીય ચાલકોના માથે અકસ્માતનો ભય તોલાઈ રહ્યો છે. આવી જ જગ્યાએ દ્વીચક્રીય વાહનચાલકનો સ્ટેરીંગ પરનો કાબૂ રાખવાનું પણ મુશ્કેલ બનતું હોય છે. આ સ્થિતિમાં માર્ગ મકાન વિભાગના રિકારપેંટિગની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. રિકારપેંટિગમાં ઉપયોગમાં લેવાયેલ માલ સામાનની ગુણવત્તા નિયત કરાયેલ થરની જાડાઈ સહિતની બાબતોમાં અનેક સવાલો ઉભા થવા પામ્યા છે ત્યારે રિકારપેંટિગ કામમાં ભ્રષ્ટાચારની બુ આવી રહી છે. તેવા સમગ્ર બાબતે ઉચ્ચ કક્ષાએ તટસ્થ તપાસ થાય તો મોટું ભોપાળું બહાર આવવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

