ચીખલી: મજીગામ નીલકંઠ દર્શન સોસાયટીમાં બંધ ઘરમાંથી થયેલી ચોરીના બનાવમાં પોલીસે ત્રણ યુવાનોની ધરપકડ કરી ચોરીનો રૂ.3.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી હતી. ચીખલી તાલુકાના મજીગામ નીલકંઠ સોસાયટીમાં વૈશાલીબેન રાઠોડ છેલ્લા કેટલાક વર્ષોથી રહેતા હતા.

દરમિયાન બે મહિના પૂર્વે મકાન ખાલી કરી તેમાં બીલીમોરા સ્થિત દુકાનનો સામાન જેમાં સીસીટીવી કેમેરા, ગેસ સિલિન્ડર, એલઈડી લાઈટ, મોબાઈલ, કેંગન વોટર મશીન, ટીવી સહિતનો સામાન અન્ય ઘર ન મળે ત્યાં સુધી જુના ભાડેના મકાનમાં જ રાખવામાં આવ્યો હતો. થોડા દિવસ પૂર્વે આ મકાનમાં ચોરી થતાં જે સંદર્ભે ચીખલી પોલીસ મથકે ગુનો નોંધાવાયો હતો. સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે સાજન હળપતિ (ઉ.વ. 25), હર્મિંન પટેલ(ઉ.વ.28, બંને રહે, સમરોલી, વાડી ફળિયા તા.ચીખલી) તથા નિલેશ હળપતિ (ઉ.વ.આ. 20, રહે, મજીગામ, કૂવા ફળિયા તા. ચીખલી) એ મજીગામ નીલકંઠ દર્શન સોસાયટીમાંથી ચોરી કરેલ સામાન તેઓના ઘરમાં સંતાડી રાખ્યો છે અને હાલે સગેવગે કરવાની ફિરાકમાં છે.

પોલીસે કબ્જે કરેલો મુદ્દામાલ 40 ઈંચનું એલઈડી ટીવી રૂ.30 હજાર, સીસીટીવી કેમેરા નંગ – 8 રૂ.28 હજાર, સીસીટીવી કેમેરો 1 નંગ રૂ. 3 હજાર, 25 એલઈડી લાઈટ રૂ. 20 હજાર, એલઈડી ટીવી બે રૂ.40 હજાર, 1 હોમ થિયેટર 7 હજાર, 2 ટેબલ ફેન રૂ. 5 હજાર, 3 મોબાઈલ રૂ.15,500, કેંગન વોટર મશીન રૂ. 2 લાખ, 1 ગેસ સિલિન્ડર રૂ. 2 હજાર મળી રૂ. 3.50.500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.