ભરૂચ: ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પૂરી મજબૂતીથી ચૂંટણી લડવા જઈ રહી છે. હાલ ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવાને આમ આદમી પાર્ટી તરફથી ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. હાલ ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં ભરૂચ લોકસભામાં સ્વાભિમાન યાત્રા ચાલી રહી છે. 22 ફેબ્રુઆરીથી શરૂ થયેલ આ યાત્રા 21 દિવસ ચાલશે અને સમગ્ર ભરૂચ લોકસભાના ગામેગામ ફરશે.

Decision News ને મળેલી માહિતી મુજબ આ યાત્રામાં અનેક ગામોના સ્થાનિક લોકો પણ આ યાત્રામાં જોડાયા છે. આજે ચૈતરભાઈ વસાવાની પ્રસિદ્ધિ ગામેગામ પહોંચી ગઈ છે, જેના કારણે જ્યાં પણ સ્વભિમાન યાત્રા પહોંચી છે ત્યાં લોકો દ્વારા ખૂબ જ ભાવપૂર્વક તેમનું સ્વાગત કરવામાં આવે છે અને યાત્રાને સમર્થન આપવામાં આવે છે. તમામ જગ્યાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનને પણ ખૂબ જ સમર્થન આપવામાં આવે છે.

આદિવાસી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તમામ ગામોના લોકોની મુલાકાત લઈને સ્થાનિક મુદ્દા ઉપર તેમની ચર્ચા કરે છે અને તેમની સમસ્યાઓ જાણે છે. આ દરમિયાન ચૈતરભાઈ વસાવાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, અનેક વર્ષોથી ભાજપના સાંસદો ચૂંટાઈને આવે છે, પરંતુ ચૂંટાયા બાદ તેઓ જનતાની એક પણ સમસ્યા સાંભળતા નથી. હું ધારાસભ્ય બન્યોએ પહેલાથી જ દિવસ રાત લોકોની સેવા કરતો હતો અને આજે પણ હું લોકોની સેવા કરી રહ્યો છું. હું હંમેશા ઇચ્છું છું કે મારા આદિવાસી વિસ્તારના તમામ સમાજના લોકોનો વિકાસ થાય અને તેમને સારામાં સારી સુવિધા મળે. હું દિવસ રાત લોકોની સેવા કરતો હતો માટે ભાજપે મને રોકવા માટે મારા પર ખોટા કેસો કર્યા અને મને અને મારા ધર્મ પત્નીને જેલમાં મોકલ્યા. તો પણ અમે ભાજપ સામે ઝુક્યા નથી અને ક્યારેક ઝુકીશું પણ નહીં. ભાજપની આ તમામ હરકતોનો જવાબ ભરૂચની જનતા આપશે.