અંકલેશ્વર: ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવાને ભરૂચ લોકસભાના ઉમેદવાર આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૈતરભાઇ વસાવા આગામી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. હાલ આમ આદમી પાર્ટીની સ્વાભિમાની યાત્રાના માધ્યમથી ચૈતરભાઇ વસાવા ભરૂચના ગામેગામ ફરી રહ્યા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ દિન પ્રતિ દિન સ્વાભિમાન યાત્રાને ભરૂચના લોકો તરફથી વધુને વધુ સમર્થન મળતું રહે છે. તારીખ 26 ફેબ્રુઆરીના રોજ સ્વાભિમાન યાત્રા અંકલેશ્વર હાંસોટ તાલુકાના ગામમાંથી પસાર થઈ હતી અને આ દરમિયાન ચૈતરભાઇ વસાવાએ મોટી સંખ્યામાં હાજર લોકોની મુલાકાત લઈને, તેમની સાથે સ્થાનિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

ચૈતરભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હીમાં ઐતિહાસિક કામો કરી બતાવ્યા છે. આજે દિલ્હીમાં સફાઈ કર્મચારી અને રીક્ષા ચાલકના બાળકો પણ ડોક્ટર-એન્જિનિયર બની રહ્યા છે. શિક્ષાની સાથે સાથે આરોગ્ય વ્યવસ્થામાં પણ દિલ્હીમાં ખૂબ જ પ્રભાવશાળી કામ કરવામાં આવ્યું છે. દિલ્હીમાં શરૂ કરાયેલ મોહલ્લા ક્લિનિકની ચર્ચા આજે દુનિયાભરમાં થાય છે. અને લોકો માટે આટલા ઉત્તમ કામ કરવાના કારણે જ ભાજપ આમ આદમી પાર્ટીને રોકવા માંગે છે. હું ઈચ્છું છું કે દિલ્હીના લોકોને જે ઉત્તમ સુવિધા મળે છે તેવી જ સુવિધાઓ મારા આદિવાસી વિસ્તારના લોકોને પણ મળે કારણ કે અત્યાર સુધી ભાજપે આદિવાસી વિસ્તાર સાથે અન્યાય જ કર્યો છે. માટે હું માનું છું કે આવનારી લોકસભા ચૂંટણીમાં તમામ ભરૂચના લોકો આમ આદમી પાર્ટીને વોટ આપશે અને ગુજરાતમાં બદલાવની શરૂઆત કરશે.