નસવાડી: ખેડૂતે વેચાણ કરી દીધેલી જમીનમાંથી નસવાડીના પીપલાજ ગામના ગ્રામજનોએ સ્મશાનમાં જવાનો રસ્તો  બંધ કરી દેવાતા ‘રસ્તો આપો રસ્તો આપો’ ના સૂત્રોચાર કરી ગ્રામજનો મોટી સંખ્યામાં મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું.

Decision News ને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર નસવાડી તાલુકામાં પીપલાજ ગામ આવેલું છે. નસવાડી થી નજીકમાં આ ગામ આવેલું છે.અને આદિવાસી સમાજની વસ્તી આવેલી છે. જ્યારે આદીવાસી સમાજમાં કોઈ મુત્યુ થાય છે ત્યારે કંડવા ગામ નજીક સીમમાં મૃતદેહને અંતિમ કિયા માટે લઈ જવામાં આવે છે અને અંતિમ ક્રિયા વર્ષોથી ત્યાં થાય છે. તે રસ્તો ખેતરોમાંથી પસાર થાય છે. આ રસ્તો વર્ષોથી આદિવાસી સમાજના લોકો અંતિમક્રિયા જવા ઉપયોગ કરે છે. જ્યારે જે ખેતરોમાંથી રસ્તો પસાર થાય છે તે જમીન એક ખેડૂતએ વેચાણ આપી દીધી છે.

જમીન વેચાણ લેનાર દ્રારા ખેતરની ચારે બાજુ ફેંસિંગ કરી દેવાતા હાલ આ રસ્તો બંધ થઈ ગયો છે.ગ્રામજનોએ આ રસ્તો ચાલુ કરાવા માટે કંડવા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટીને વારંવાર રજૂઆત કરી હતી પરંતુ તેનો નિકાલ આવ્યો ન હોવાના કારણે પીપલાજ ગામના આદિવાસી સમાજના લોકો ભેગા થયા હતા અને નસવાડી તાલુકા સેવાસદનમાં રસ્તો આપો રસ્તો આપો ના સૂત્રોચાર સાથે મામલતદારને રસ્તો ફરીથી ચાલુ કરાવવા માટે આવેદનપત્ર અપાયું હોવાનું જાણવા મળ્યું છે.