છોટાઉદેપુર: આદિવાસી સમુદાય માં ગામ ચોખ્ખું કરવા “કાહટી” કાઢવાની અનોખી પરંપરા.જે સમાજ નો સાંસ્કૃતિક ઇતિહાસ હોય છે, એ સમાજ નું સવિશેષ મહત્વ હોય છે, અને આદિવાસી બહુલ ધરાવતાં છોટાઉદેપુર જિલ્લામાં વસ્તો આદિવાસી સમાજ આવો જ સાંસ્કૃતિક ઇતિહાસ ધરાવે છે.

આવો જોઈએ વિડીયોમાં..

આદિ અનાદી કાળથી ચાલતી આવતી પરંપરાઓ અને સાંસ્કૃતિ ઇતિહાસ ધરાવતાં છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ સદીઓ જૂની પરંપરા ઓને આજે પણ બખૂબી નિભાવી રહ્યાં છે અને આવી જ એક અનોખી પરંપરા વિષે વાત કરવાના છીએ,

છોટાઉદેપુર ના ઝોઝ પાસે આવેલાં ઓડ ગામ માં ૭૦ વર્ષ પુર્વે દેવોની પેઢી બદલવામાં આવી હતી, ત્યારે ૭૦ વર્ષ બાદ ફરી દેવોની પેઢી બદલવાનું ગામ લોકો નક્કી કરી દેવોની પેઢી બદલવાની તૈયારીના ભાગરૂપે કાહટી કાઢી
ગામ ચોખ્ખું કરવાની વિધિ યોજી છે, જેમ અન્ય સમાજમાં ધાર્મિક વિધિવિધાન માટે બ્રાહ્મણ હોય છે તેમ આદિવાસી સમાજ ની ધાર્મિક ક્રિયાઓ પણ પૂંજરા અને બળવા દ્વારા કરવામાં આવતી હોય છે,

ઓડ ગામના લોકો એ ગાઠિયા ગામના જુવાનસિંહ બળવા પાસે પોડી જોવડાવી હતી, અને ફેબ્રૂઆરી મહિનાની ૭ તારીખે બુધવારે ઇન્દ માંડવાની તારીખ આપતાં સવા મહિના પહેલાં ગામ ચોખ્ખું કરવા કાહટી કાઢવામાં આવી હતી,

કેમ કાઢવામાં આવે છે કાહટી?

આદિવાસી સમાજ ની માન્યતા મુજબ ગામના પશું પંખીઓ માં રોગ દેખાય, ગામમાં ઝગડા ઝુમાડા થતાં હોય, જંગલમાં રહેતાં જંગલી જનાવરો બરાડા પડતાં હોય તો મોટી ઉંમર ધરાવતાં આગેવાનો ગામમાં કાંઇક ઉપાધિ આવી છે, તેવું અનુમાન લગાવી ગામના દેવો ને ગામનાં પૂર્વજો ને રાજી કરવા પડશે ની ગામ લોકો સમક્ષ વાત મૂકે છે, અને ગામના તમામ લોકો સહમતી આપે તો ગામમાંથી કજીયા કંકાશ, રોગ ને ભગાડવા કાહટી કાઢવામાં આવે છે,

કેવી રીતે કાઢવામાં આવે છે કાહટી?

કાહટી કાઢવાની રાત્રે ગામના પ્રત્યેક ઘરે થી એક મુઠ્ઠી ધાન તેમજ ભાગેલા તૂટેલા હાંડલા, ટોપલા, સાવરણી ઉઘરાવવા માં આવે છે, અને ગામમાં સ્થાપિત દેવો ના દરેક આયખા પાસે થી એક ચપટી માટી લાવવામાં આવે છે, અને ગામના દેવના સામે કામળી થી ઘાયના રૂપી કથા કરી દેવો ને આમંત્રણ આપવામાં આવે છે અને મધ રાત્રીના બે વાગે બકરી નું દૂધ અને ગામમાંથી ઉઘરાવેલા દાણા ને ગામના પ્રત્યેક દાણા નાખી ઝાડવા માટે ટુકડી બનાવી ગામ માં મોકલાવામાં આવે છે, ગામના દરેક ફળિયામાં ઝાડવા ગયેલ ટુકડી પરત પૂંજા વિધી ના સ્થાને પરત આવી જાય ત્યારે બકરાં અને મરઘાં ને ઝાડો લેવડાવવામાં આવે છે અને ફાટેલાં તૂટેલા હાંડલા, ટોપલા, સૂપડાં, સાવરણી ને એક લાંબા વાંસ ના લાકડાંમાં પરોવી વહેલી સવારના પાંચ વાગે કુલ્લા કરતાં કરતાં કાહટી કાઢી ગામની સીમની બહાર મૂકી આવવામાં આવે છે,

આ સદીઓ જૂની પરંપરા આ વિશે ઓડ ગામના પૂર્વ સરપંચ જંગુંભાઈ રાઠવા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, અમારાં ગામમાં ૭૦ વર્ષ પૂર્વે દેવો ની પેઢી બદલવામાં આવી હતી એવું અમોને વડીલો દ્વારા જાણવા મળ્યું છે, આ વર્ષે ગામમાં આવેલાં ૩૦ જેટલાં દેવોનાં આયખાના ખૂટડા અને દેવોનાં ઘોડા બદલવા નું ગામ લોકો નક્કી કરતા અમારાં ગામમાં વસતાં ૨૮૦ જેટલાં પરિવારોએ પ્રત્યેક પરિવારે ઘર દીઠ ૩૫૦૦ રૂપિયા નો ફંડ ફાળો એકત્રિત કરતા ૧૦ લાખના ખર્ચે દેવો ની પેઢી બદલી દેવોનાં લગ્ન લેવાનું આયોજન કર્યું છે જેના ભાગ રૂપે આજે અમારાં ગામને ચોખ્ખું કરવા ઉતારો કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે.