વાંસદા: ગતરોજ વાંસદાના મનપુર ગામના રહેણાંક વિસ્તારમાં ભર ઉનાળામાં વાંસદામાં જ આવેલા જૂજ ડેમના અચાનક પાણી છોડયાના કારણે ઘરોમાં પાણી ઘૂસી જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેને લઈને આક્રોશનો માહોલ પ્રવર્તી રહ્યો છે.
લોકોનું કહેવું છે કે અમારે ત્યાં વાંગણ, રાયબોર, માનકુનીયા વગેરે ગામોની નાની- નાની નદીઓના પાણી જુજ ડેમમાં ભેગું થાય છે અને તેના કારણે ઉનાળા દરમિયાન સિંચાઈના પાણી કે પીવાના પાણીના જળ સ્ત્રોત ઉચાં આવે છે જે અમારા માટે આશીર્વાદ સમાન છે પણ ગતરોજ જૂજડેમના કેટલાંક સત્તાધીશોની બેદરકારીને લીધે નહેરમાં વધુ પાણી છોડી દેવાતાં મનપુર ગામના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા.
સ્થાનિક યુવા અજયભાઈ જણાવે છે કે મનપુરના ઘણાં ઘરોના ઉંબરા આ પાણી વટાવી દીધા હતા. તેમનું કહેવું છે વર્તમાન સમયમાં પીવાના પાણી માટે ઘણા ગામના લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે ત્યારે આ પ્રમાણે બગાડ થવો યોગ્ય નથી.

