ડેડીયાપાડા: વન અધિકાર કાયદા ૨૦૦૬ મુજબ જંગલમાં જમીન ખેડતા આદિવાસીઓને પોતાના હક આપવા તેમજ હકો સુરક્ષિત રાખવા માટે તત્કાલીન ભારતના વડાપ્રધાન ડો. મનમોહન સિંઘજી ના નેતૃત્વ વાળી કોંગ્રેસની યુ.પી.એ સરકારે સદર કાયદા હેઠળ જે ખેડે એની જમીન એ મુજબની જોગવાઈ કરી. જે કાયદાના અમલ કરવામાં ભાજપ શાસીત ગુજરાત સરકારે વિલંબ કર્યો અને સંપૂર્ણ અમલ કરવામા આનાકાની કરે છે.

ઉલ્લેખનીય છે કે આજે પણ ખેડૂતોને જમીન ખેડતા હોવા છતાં માલિકીના હક્કો આપવામાં આવ્યા નથી. રાજ્ય સરકારની મંશા ઉપર શંકા અને અવિશ્વાસનુ વાતાવરણ તો ત્યારે ઉભુ થયુ કે “ઇકો સેન્સિટિવ ઝોન” તરીકે નર્મદા જીલ્લાના અનેક આદીવાસી ગામોને જાહેર કરી ૭-૧૨ મા બીજા હકમા સરકાર નુ નામ દાખલ કરી દેવાયુ ત્યારે વન અધિકાર કાયદા ૨૦૦૬ હેઠળ સનદ ધારકો અથવા પેન્ડિંગ દાવા અરજીઓ ધરાવતા આદીવાસી ખેડૂતોને હક પત્રમા નામ દાખલ કરવાની અપેક્ષા રાખવી ભાજપના શાશનમા ભૂલ ભરેલી છે. વધુમા ડેડીયાપાડા તાલુકાના બોગજ કોલીવાડા ગામે સ્થાનિક ખેડૂતને આપેલી સનદને નજર અંદાજ કરી કપાસનો ઉભો પાક જંગલ ખાતા દ્વારા નાશ કરવામાં આવ્યો અને નીતિ નિયમોને નેવે મૂકી સ્થાનીક ફોરેસ્ટ અધિકારીઓ આપખુદ શાહી વલણ ગરીબ આદિવાસીઓ સાથે ભાજપના નેતાઓના ઈશારે રાખી રહ્યા છે. જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા સ્થાનિક આદિવાસીઓને ડરાવવા, ધમકાવવા ના અનેક કિસ્સાઓ આદિવાસી વિસ્તારોમાં નાના-મોટા બનતા રહ્યા છે. જેની સામે અવાજ ઉઠાવનાર રાજકીય કાર્યકરો અને આદિવાસી આગેવાનોને ખોટા કેસો કરી દબાવી દેવાનો પોલીસને આગળ ધરી ભાજપ સરકાર પ્રયત્ન કરી રહે છે. જેનું તાજું ઉદાહરણ ડેડીયાપાડા ના ધારાસભ્ય શ્રી છે. જેના વિરોધમાં અને જંગલ અધિકાર કાયદા ૨૦૦૬ મુજબ જે ખેડૂતો જમીન ખેડી રહ્યા છે તેને માલિકી હક અપાવવા તેમજ પેન્ડિગ દાવાઓને મંજુર કરાવવા માટે અમે કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકરો આદિવાસી સમાજની પડખે ઉભા છે. આ અંગે સરકારની જોહુકમી અને આદિવાસી વિરોધી નીતિ નો વિરોધ નોંધાવતા સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા પૂર્વ ગ્રહ યુક્ત વલણ અપનાવાઇ રહ્યા ના અનેક કિસ્સાઓ આ વિભાગમાં બનતા રહ્યા છે. જેનો ભોગ આદિવાસી સમાજ અને કચડાયેલો વર્ગ બની રહ્યો છે.

સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારો ની અંદર “પેસા એક્ટ – ૧૯૯૬” રાજ્ય સરકાર લાગુ કરતી નથી.કારણકે જે કાયદા દ્વારા સંસદ, વિધાનસભા અને નોકરશાહીની સીધી દખલગીરી નિયંત્રિત કરવામાં આવી છે.જે હાલની ભાજપ સરકારને મંજુર નથી. બંધારણની પાંચમી અનુસૂચિ પ્રમાણે આદિજાતિ વિસ્તારોમાં જળ જંગલ અને જમીન ઉપર આદિવાસી સમાજ નો માલિકી હક પ્રાપ્ત થાય છે. પરંતુ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તેનો અમલ ન થવાથી આદિવાસી સમાજને અન્યાય થઇ રહ્યો છે. ભાજપ સરકાર દ્વારા આદિવાસી સમાજના આર્થિક ઉત્થાન સાથે પોતાના પરીવારની આજીવિકા ઉભી કરવાને બદલે સરકાર આદિવાસી જમીન વિહોણા બને અને તેઓનું શોષણ થાય એ દિશામાં ખોટી નીતિ આધારિત પગલાં ભરી રહી હોવાની ગંભીર બાબતો બની રહી છે.
ડેડીયાપાડા તાલુકાના બોગજ કોલીવાડા ગામે સનદ હોવા છતાં કપાસ કાપી નાખવા પાછળની જંગલ ખાતાના અધિકારીઓની વર્તણૂક અયોગ્ય છે. આદિવાસી સમાજને મળેલા બંધારણીય હકો ઉપર ગેરકાયદેસર રીતે તળાપ મારવા બરાબર છે. નાયબ વન સરક્ષક રાજપીપલાના શ્રી નીરજ કુમાર દ્વારા આ અંગે મીડિયા સમક્ષ લૂલો બચાવ કરી સમગ્ર પ્રકરણમા ઢાંક પીછોડો કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. તેઓ કોઈપણ જાતના પુરાવા રજુ કર્યા વગર તેઓ ખેડૂતને જવાબદાર ગણાવી પોતાના ખાતાની ભૂલ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓને રાજપીપળા ખાતે કોંગ્રેસ પ્રતિનિધિ મંડલ આ અંગેની વિગતો જાણવા રૂબરૂ મળવા ગયુ હતુ. પરંતુ તેઓ મુલાકાતથી દૂર ભાગતા રહ્યા હતા. આદિવાસી ખેડૂત નો કપાસનો પાક રાત્રીના સમયે કેમ કાપી નાખ્યો એ પ્રશ્ન શંકા ઉપજાવે છે. એટલા માટે કોંગ્રેસ આ બનાવને સખત શબ્દોમાં વખોદે છે. આ અંગે આદિવાસી ખેડૂત સાથે થયેલા અન્યાયના બનાવની ન્યાયિક તપાસ હાથ ધરવા આપની કક્ષાએથી આદેશ થાય એવી અમે સૌ માંગણી કરીએ છીએ.

આદીવાસી વિસ્તારમા શિક્ષણનુ સ્તર ખુબ નીચે જઈ રહ્યુ છે. ડ્રોપ આઉટ રેશીયો પ્રાથમિક અને માધ્યમિક વિભાગમા ખુબ વધી રહ્યો છે. ખાનગી શાળાઓને સરકાર પ્રોત્સાહન આપી રહી છે. સરકારી પ્રાથમિક શાળાઓ મર્જ કરવાના નામે બંધ કરાઈ રહી છે. સરકારી ગ્રાન્ટેડ સંસ્થાઓ પણ બંધ કરાઈ રહી છે. કોલેજમા અભ્યાસ માટેની સ્કોલરશીપ છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકાર આદીવાસી વિદ્યાર્થીઓને આપી શકતી નથી. જેથી વિદ્યાર્થીઓના અભ્યાસમા બ્રેક લાગી છે. ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ અધવચ્ચે છોડવા મજબુર બન્યા છે. નર્મદા જીલ્લામા ડિપ્લોમા અને ડિગ્રી એન્જીન્યરિંગ કોલેજની વ્યવશ્થા હજી સરકાર ઉપલબ્ધ કરાવી શકી નથી.

આદીવાસી ખેડૂતોને ખેતીના પાકોના પોષણક્ષમ ભાવો મળતા નથી. નાના અને સીમાંત ખેડૂત હોવાને કારણે સ્થાનીક કક્ષાએ ઉત્પાદિત ખેત પેદાશો વેચવા મજબુર ખેડૂત પોતાના પકવેલા પાકનો અપૂરતી વેચાણ વ્યવસ્થા અને ટાચા સંસાધનોના કારણે પોષણક્ષમ ભાવ મેળવવાથી વંચીત રહે છે. વધુમાં આદિવાસી વિસ્તારોમાં ખેતી કરતા ખેડૂતોને રાસાયણિક ખાતર પૂરતા પ્રમાણમાં મળતું નથી. તેમ જ ખેતી વિષયક વીજળી પૂરતી મળતી નથી. જે ઉપલબ્ધ કરાવવા અમારી માગણી છે.

આદીવાસી વિસ્તારોમા આરોગ્ય ક્ષેત્રમા પીએચસી અને સીએચસી સેન્ટરો તેમજ રેફરલ હોસ્પિટલમા પૂરતા ડોકટરો, સ્ટાફ અને દવાઓના અભાવે સારવાર મળતી નથી. જેથી દર્દીઓએ ખાનગી હોસ્પિટલ તરફ જવું પડે છે. મોંઘી સારવાર કરાવવા અસક્ષમ હોવાથી આદીવાસી સમાજ સારવારથી વંચિત રહી જાય છે.

બિન આદિવાસીઓને જાતિના દાખલા આદિવાસી તરીકે આપી દેવામાં આવતા સાચા આદિવાસીઓને જાતિઓના દાખલા મેળવવામાં ખૂબ આટીઘુટી માંથી પાસ થવું પડે છે. એના કારણે સરકારી નોકરી અને શિક્ષણમાં પોતાના હક્કો જતા કરવા માટેની નોબત આદીવાસી સમાજના યુવાનોને આવી પડે છે. આ અંગે જાતિના દાખલા સરળતાથી ઉપલબ્ધ કરાવવા અમારી માગણી છે.

કોંગ્રેસની યુપીએસ સરકાર દ્વારા ગામડામાં રોજગાર ઉપલબ્ધ કરાવી શકાય એ હેતુથી મનરેગા યોજના શરૂ કરવામાં આવી હતી. જેને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા અમલમાં મુકાતી નથી આ યોજનાને પાંગળી કરી નાખવામાં આવી છે. જેના કારણે મોટાપાયે મનરેગા યોજનામાં મશીનોથી કામ કરાવી ભાજપના મળતીયા ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. અને ગરીબ આદિવાસી રોજગારીથી વંચિત થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય છે.

આદિવાસી વિસ્તારના તમામ નાના મોટા રસ્તાઓ પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને આપી ખૂબ નીચી ગુણવત્તાવાળું કામ કરી ભ્રષ્ટાચાર આચરવાથી રસ્તાઓ ટૂંકા સમયમાં તૂટી જવાના અનેક દાખલાઓ બનવા પામેલ છે. જેના કારણે સરકારના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. ગામડાના રસ્તાઓ એક જ ચોમાસામાં જર્જરીત થઈ જાય છે. જેથી આદિવાસી વિસ્તારના રહીશોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે અંગે તાત્કાલિક કાર્યવાહી કરી કસુરવારો સામે પગલા ભરવામાં આવે તેમજ રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવે એવી અમારી માગણી છે.

આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે માત્ર એસટી બસની સુવિધા જ એક વિકલ્પ છે. જે અંગે સરકારના ઉદાસીન વલણને કારણે ઘણા ગામડાઓમાં હજી સુધી એસટી બસની સુવિધા ઉપલબ્ધ બની શકી નથી. જ્યાં રૂટો ગોઠવવામાં આવ્યા છે ત્યાં અનિયમિતતાના કારણે પ્રજાને હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે સમગ્ર આદિવાસી વિસ્તારના ગામડાઓની એકમાત્ર પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા એસટી દ્વારા જ થઈ શકે એમ હોય એસટીના તમામ રૂટ નિયમિત ચાલે અને તમામ ગામડાઓ આવરી લેવામાં આવે એવી અમારી માગણી છે.

આદિવાસી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા કઠળી રહી છે. ગરીબ આદીવાસી સ્ત્રીઓ ઉપર રોજબરોજ અત્યાચારના બનાવો વધતા જાય છે. મણીપુરમાં આદિવાસી સમાજને નિશાન બનાવી જે અત્યાચાર થઈ રહ્યો છે. જે યોગ્ય નથી. પોલીસ દ્વારા પણ ભાજપ સરકારના ઈશારા ઉપર દમનકારી કાર્યવાહી આદિવાસી સમાજ ઉપર કરવાના અનેક બનાવો બની રહ્યા છે. હાલમા ઝઘડીયા તાલુકાના બલેશ્વર ગામે આયોજીત આદીવાસી સંમેલન બાદ આદીવાસી નેતા ડો. શાંતિકર વસાવા ઉપર ભાજપના હુમલાખોરો દ્વારા હુમલો કરવામા આવ્યો છે જે આદીવાસી સમાજ ઉપરનો હુમલો છે.જેને અમે સખત શબ્દોમાં વખોડી નાંખી, આ અંગે કસુરવારો સામે કાયદેસરના પગલાં ભરાઈ એવી માંગણી કરીએ છીએ. ઉપરોક્ત તમામ મુદ્દાઓ પરત્વે ત્વરિત કાર્યવાહી હાથ ધરવા સંબંધીત વિભાગને આપની કક્ષાએથી સૂચના આપવા અમારી માગણી છે.