સેલવાસ: થોડા દિવસો પહેલા જ ઝારખંડના જમશેદપુરમાં ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા ધરતીઆબા બિરસામુંડાજીની જન્મજયંતી નિમિત્તે 15 થી 19 નવેમ્બર દરમિયાન પાંચ દિવસીય સંવાદ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંવાદમાં ભારતના 28 રાજ્યો અને 4 સંઘપ્રદેશમાંથી આદિવાસી સમુદાય ઉપસ્થિત રહ્યો હતો. આ સંવાદમાં દાદરા અને નગર હવેલીના 3 યુવાનોએ પણ ભાગ લીધો હતો.

સંવાદના પ્રથમ દિવસે આ યુવાનોએ બિરસામુંડાની જન્મભૂમિ ઝારખંડના ખૂંટી જિલ્લામાં આવેલ ઉલિહાતુ ખાતે એમના જન્મસ્થળ તેમજ એમના ગામની મુલાકાત લીધી હતી. પાંચ દિવસીય સંવાદ વિવિધ મુખ્ય સાત ભાગોમાં વહેંચાયેલો હતો. સંવાદના અખરા સત્રમાં દાદરા અને નગર હવેલીના બ્રિજેશ ભુસારા અને રિતેશ પટેલે ભાગ લઈને પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે આદિવાસીયતના સાચા અર્થ વિશે ચર્ચા કરી હતી. સંઘપ્રદેશના આદિવાસી યુવાઓએ સંવાદના રાષ્ટ્રીય મંચ ઉપર પ્રદેશના આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરીને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું હતું. તેમણે પ્રદેશની અમીટ છાપ સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલ આદિવાસી સમુદાયમાં છોડી હતી.

આદિવાસી યુવાઓના વિચારો:

સંવાદના અખરા સત્રમાં બ્રિજેશ ભુસારાએ જણાવ્યું હતું કે, “આદિવાસીયત એક સંસ્કૃતિ છે. તે એક જીવનશૈલી છે. આદિવાસીઓ પ્રકૃતિના સાથી છે. તેઓ પ્રકૃતિનું રક્ષણ કરે છે. આદિવાસીઓ સ્વતંત્ર અને સ્વશાસન માટે લડે છે.”

રિતેશ પટેલે જણાવ્યું હતું કે, “આદિવાસીઓનો ભારતીય સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ ફાળો છે. આદિવાસીઓએ ભારતીય સંસ્કૃતિને ઘણું બધું આપ્યું છે. આદિવાસીઓનો સંસ્કૃતિ અને પરંપરાઓનું સંરક્ષણ કરવું જરૂરી છે.”