નવસારીઃ ગુજરાત સરકાર પણ ભાવી પેઢીને શિક્ષણથી સુસજ્જ કરવા અવિરત પ્રયાસો કરી શ્રેષ્ઠ ભૂમિકા ભજવી રહી છે. આજે ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાની રૂચી અનુસાર જીવનની કેડી કંડારી રહ્યા છે જેમાં રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના તેમના માટે આશીર્વાદ સમાન બની છે.ત્યારે ગણદેવી તાલુકાના બીલીમોરાના રહેવાસી કેનિથ વિમલભાઇ રોહિતને આ યોજનનો લાભ મળ્યો છે.
કેનિથ વિમલભાઇ રોહિતને ડિપ્લોમાં મિકેનીકલ એન્જીનિયરીંગનો અભ્યાસ બાદ વિદેશમાં અભ્યાસ કરવાની ઝંખના હતી. જેથી તેઓએ કેનેડા દેશના ઓન્ટોરીયા રાજયના બેલવેલ શહેરની કોલેજમાં Applied Arts & Technology માં વેલ્ડીંગ અને ફેબ્રીકેશન ટેકનીશીયન તરીકે વર્ષ ૨૦૨૦ માં અભ્યાસ શરૂ કર્યો હતો. વિદેશ અભ્યાસ માટે વિવિધ બેંકો ધિરાણ આપે છે પરંતુ તેનો વ્યાજ દર ઘણો ઉંચો હોય છે અને પ્રથમ હપ્તો ચૂકવાય તે સાથે જ વ્યાજ ચઢવા લાગે છે એવી લાગણી વ્યક્ત કરતા કેનિથના પિતા શ્રી વિમલભાઇ રોહિતે જણાવ્યું કે વિદેશમાં ભણવા માટેની રાજ્ય સરકારની ધિરાણ યોજના નજીવા વ્યાજના દરે ધિરાણ આપે છે અને વિદેશમાં અભ્યાસને સરળ અને સુગમ બનાવે છે. બેન્ક ધિરાણની સરખામણીમાં આ વિકલ્પ ખૂબ જ સોંઘો છે. વિદેશ સહાય યોજનાની માહિતી મળતા નવસારી જિલ્લા સેવા સદન, જુનાથાણા ખાતે આવેલી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીનો સંપર્ક કરતા મને કોઇપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નથી પડ્યો, આ માટે કચેરીના દરેક વ્યક્તિએ મને પૂરો સહકાર આપ્યો હતો. કચેરીમાંથી મને મળેલી જાણકારી મુજબ મેં તુરંત ઓનલાઈન જરૂરી તમામ દસ્તાવેજોને અપલોડ કર્યા હતા. જેની ચકાસણી બાદ અમને દીકરાના અભ્યાસ માટે રૂપિયા ૧૫ લાખની લોન મળી જેના કારણે આજે મારો દીકરો વિદેશમાં વેલ્ડીંગ અને ફેબ્રીકેશનનો અભ્યાસ પૂરો કરી શકયો છે.
આ અગત્યના સમયે રાજ્ય સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા વિદ્યાર્થીઓને મળવાપાત્ર વિદેશ અભ્યાસ લોન યોજનાએ તેની વિદેશમાં શિક્ષણ મેળવવાની ઝંખના સાકાર કરવાનો માર્ગ મોકળો કર્યો. હાલમાં કેનિથ રોહિત કેનેડાના ઓન્ટોરીયા રાજયના મીસીસૌંગા શહેરમાં મલ્ટીનેશનલ કંપનીમાં વેલ્ડીંગ ફેબ્રીકેશન ટેકનીશયન તરીકે નોકરી કરી રહયો છે.

