ચીખલી: ફરી એક વખત ચીખલી તાલુકાના ફડવેલ નવા ફળીયા ખાતે રહેતા અને વ્યારા ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં મીટર ટેસ્ટિંગની કામગીરી કરતાં જગદીશ ખુશાલભાઈ પટેલ પર દીપડાએ હુમલો કર્યાની ઘટના બનવા પામી છે.

ઉલ્લેખનીય છે કે દીપડા દીપડી દ્વારા માનવીઓ પર પશુઓ પર હુમલા કરી તેને ઘાયલ કે મારણ કર્યાની ઘટના આદિવાસી વિસ્તારોમાં વધી રહી છે ત્યારે ગતરોજ ચીખલી તાલુકાના ફડવેલ નવા ફળીયા ખાતે રહેતા અને વ્યારા ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં મીટર ટેસ્ટિંગની કામગીરી બજાવતાં જગદીશ ખુશાલભાઈ પટેલ પોતાની યૂનિકોર્ન બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ઘર નજીક આવેલા રસ્તા પર 7:00 વાગ્યાની આસપાસ એક દીપડો આવી ગયો અને બાઈક સાથે ટકરાયો અને તેણે જગદીશભાઇના પગ પર હુમલો કરી તેને ઘાયલ કરી દીધા હતા.

જગદીશભાઈએ લોકોને બોલાવવા બુમાબુમ કરી દીધી અને લોકો એકઠા થતાં જ ત્યાંથી નાસી ગયો હતો. આ ઘટનાને લઈને ફડવેલ ગામના લોકો દહેશતનો માહોલ સર્જાયો છે. હવે લોકો માંગ કરી રહ્યા છે કે આ હુમલાખોર દીપડો જેટલો જલ્દી પાંજરે પુરાવવો જોઈએ.