રાજપીપલા: નર્મદા જિલ્લાની યુવા પ્રતિભાને ખેલકૂદ અને કલા મંચ પ્રદાન કરવાના આશય સાથે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં ખેલ મહાકુંભ ૨.૦ અને કલામહાકુભમાં રજીસ્ટ્રેશન અને પાર્ટીસીપેશન અંગે જિલ્લા-તાલુકાના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે આયોજન સંદર્ભે બેઠક યોજાઈ હતી.

જિલ્લા કલેક્ટરશ્રી તેવતિયાએ જણાવ્યું કે, આપણો જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો હોય નવ યુવાનો કલા અને ખેલ પ્રત્યે ખૂબજ રસ ધરાવે છે. માટે જ રમત-કલા સ્પર્ધામાં વધુમાં વધુ બાળકો, સ્પર્ધકો સહભાગી થાય તે માટે વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરાવે અને પોતાની ભાગીદારી નોંધાવે તે સુનિશ્વિત કરવા સંબંધિત અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓને રચનાત્મક સૂચનો સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

ખેલ મહાકુંભ 2.0ના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ગ્રામ્ય, તાલુકા, જિલ્લા, કક્ષાએ યોજાનાર તબક્કાવાર સ્પર્ધામાં ૯ થી ૬૦ વર્ષ સુધીના વયજૂથના ખેલાડીઓ અલગ-અલગ સ્પર્ધાઓ જેવીકે એથ્લેટીક્સ, વોલીબોલ, કબડ્ડી, ખો-ખો સહિતની રમતમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે. અને જિલ્લાને મળેલા ૭૫ હજાર કરતા વધુ રજીસ્ટ્રેશનના લક્ષ્યાંક સુધી પહોંચવા મહત્તમ પ્રયત્નો કરવા શ્રીમતી તેવતિયાએ મામલતદારશ્રીઓને તાલુકા કક્ષાએ બેઠક યોજીને રજીસ્ટ્રેશનની કામગીરી વેગવંતી બનાવવા જણાવ્યું હતું.

આ ખેલ મહાકુંભ 2.0 માં અંડર-9 અને અંડર-11ના ખેલાડીઓનું રજીસ્ટ્રેશન ઓનલાઈન થાય તે જરૂરી છે. કારણ કે, આ સ્પર્ધામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન થયા બાદ કોઈ ખેલાડી જિલ્લા કે રાજ્ય કક્ષા સુધી ઉત્તમ પ્રદર્શન કરે તો તેને જિલ્લાકક્ષાની સ્પોર્ટસ ઓથોરિટી ખાતે રહેવા-જમવાની તમામ નિઃશુલ્ક સુવિધા સાથે સ્પોર્ટસની તાલીમ અને શિક્ષણની સુવિધા રાજ્ય સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેથી શાળા કક્ષાએથી ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય તેના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. સાથોસાથ જિલ્લામાં કલામહાકુંભમાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકો માટે રજીસ્ટ્રેશન ઓફલાઈન રહેશે.