વાંસદા: `આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો દેવ એટલે પિલવા ડુંગર ઉપર વસેલો દેવ પીંડાર દેવ’ આદિવાસી સંસ્કૃતિ એટલે કાલ્પનિક નહિ પરંતુ વાસ્તવિક જીવન શૈલીની નમૂનેદાર સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. પિલવા ડુંગરનું નામ જ એ મુજબનું છે કે પિલવા એટલે કે કુકણા લોક બોલીમાં “પિલવાજી વળ તો પિલવા” ચોમાસાની ઋતુમાં કે ચોમાસાની શરૂઆતમાં ડુંગરની વનરાજી સોળે કળાએ નવ પલ્લવિત થઈ જાય છે અને તેથી જ આ ડુંગરની વનરાજી નવપલ્લવિત થઈ ઊઠે છે તેથી પિલવા ડુંગર નામ પડ્યું હશે. અને આ ડુંગર ઉપર આદિવાસીઓ દ્વારા નાગલી, વરઈ જેવા પાકો કરવામાં આવે છે અને ચોમાસુ પૂરું થતાં ઘાસ પાકું થઈ જતાં તેમજ આજુબાજુના ખેતરોમાં પાક તૈયાર થઈ જતાં પીળાશ પડતો ડુંગર અને તેનાં ઉપરની વનરાજી પણ પીળાશ પડતી દેખાવા લાગે છે તેથી પણ પિલવા ડુંગર નામે ઓળખાય છે એવી લોકમાન્યતા છે. ખરેખર નામ પ્રમાણે ગુણ દર્શાવતો આ ડુંગર ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે.
પીલવા ડુંગરનો ભૌગોલિક વિસ્તાર પણ ખૂબજ નયન રમ્ય લાગે છે. સહ્યાદ્રિ પર્વતની ગિરિમાળાની ખોળામાં આવેલો આ ડુંગરની પશ્ચિમ દિશામાં ગુજરાત રાજ્યના વિસ્તારમાં આવેલ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલાં માંનકુનીયા, ચોરવણી અને નિરપણ જેવાં ગામ તેમજ પૂર્વ ભાગમાં મહારાષ્ટ્રમાં આવેલા સૂરગાણા તાલુકાના રગતવિહિર ગામમાં વિસ્તરેલો આ ડુંગર ખૂબ જ સુંદર અને સોહામણી પ્રકૃતિના સોંદર્યથી ભરપૂર છે.
પિલવા ડુંગર ગુજરાત રાજ્યનાં ત્રણ ગામોમાં વહેંચાયેલો ડુંગર છે. આ ડુંગર ઉપર ચઢાણ કરવા માટે ત્રણ ગામોમાંથી પગ વાટે જઈ શકાય છે. માનકુનીયા, ચોરવણી અને નીરપણ નામના ગામની સરહદો આવેલી છે. આ ડુંગર ઉપર સિંબરીના માળ, ઝોલંબડી, જેવા સ્થળો કે વિસ્તારથી લોકો આ ડુંગરના ભાગને ઓળખે છે. અને વન કૂવો નામની ગુફા આ ડુંગર ઉપર આવેલી છે. તેમજ એક નાનો સરસ – સુંદર અને સ્વચ્છ કુંડ આવેલો છે. જે એક ઐતિહાસિક સ્થળ અને જન જીવનશૈલીની સાક્ષી પૂરે છે. તેમજ ચોરવણી ગામમાં આવેલ ધાની નદીનાં છેડા ઉપર રસ્તાની બાજુમાં આ પિલ્વા ડુંગર ઉપર જઈને વસેલ પિંડાર દેવની પાઘડી આવેલ છે જે ખૂબ આશ્ચર્ય અને ઔલોકિક આદિવાસીઓના દેવની સ્થાપના અને પ્રાચીન સંસ્કૃતિનો ઇતિહાસની સાક્ષી પૂરું પાડતું કુદરતી શિલ્પ સ્થાપત્યનો નમૂનો છે. જેને આદિવાસી લોકો પિંઢાર દેવની પાઘડી તરીકે ઓળખે છે. જે પીલ્વા પિંઢાર દેવ સાથેના આદિવાસી જન જીવનમાં અને જીવનશૈલીમાં અગત્યનો ભાગ ભજવે છે.
આદિવાસી જન જીવન એટલે કુદરતી પ્રકૃત્તિના તત્વો સાથે સમન્વય સાધીને જીવન જીવતું લોક જીવન એટલે આદિવાસી જીવન. આ જીવનશૈલીમાં પ્રકૃતિનાં સોંદર્યની પૂજાની રીતભાત તેની સાથેનો નાતો એટલે આ પીલવા ડુંગર ઉપર વસેલા પિંઢાર દેવના સાદ્રશ્ય સ્વરૂપનું નયન રમ્ય દર્શન..
આદિવાસી સંસ્કૃતિ મુજબ વિચારીયે તો આ આદિવાસીના જીવન વગર આ ડુંગરો અધૂરા લાગે છે એમાં પૂર્ણતાનો ભાવ ત્યારે જ આવે છે કે જ્યારે આદિવાસી જીવન સાથે એમનો નાતો જોડાય. પ્રકૃતિના કણ કણ સાથે રહી પ્રકૃત્તિની મહતા સમજી શકે એવું કોઈ હોય તો એ આદિવાસી જીવન છે. પ્રકૃતિના હર એક અંગનું જતન કરતું જીવન એટલે આદિવાસી જીવન અને એ જીવનના આરાધ્ય દેવી દેવતા એટલે કનસરી, ઇહમાય, નારણદેવ, પાનદેવ, ગાવદેવ. ગોવાળ દેવ, વન દેવ, માંવલી, ડોંગર દેવ જેવા દેવો છે. અને એમનું બહુમાન કર્યું હોય તો તે આદિવાસી જીવન પદ્ધતિ એ કર્યું છે. એમણે ઉંબરા થી લઇ ડુંગરા સુધી, પથ્થર થી લઇને પહાડ પૂજવાનું કામ આદિવાસી સંસ્કૃતિએ કર્યું છે. આજે આવી મહાન વાસ્તવિક સંસ્કૃતિને ભૂલી જઈ અન્ય કાલ્પનિક સંસ્કૃતિના મોહમાં ફસાય જતાં આજના સમાજ જીવનને આ પિલવા પિંઢાર દેવ સંદેશ આપે છે.
પ્રકૃતિના પાંચ તત્વની સાથે આખા બ્રહ્માંડમાં રહેલા સૂર્ય, ચંદ્ર, તારામંડળના ગ્રહ સહિત નવ ખંડ ધરતી સહિત એનાં ઉપર રહેતા જીવજંતુની ચિંતા કરી એની સાથે સમન્વય સાધીને જીવન જીવતી અને એને પૂંજતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. આ આદિવાસી સંસ્કૃતિનાં દેવ જે પીલવા ડુંગર ઉપર આવેલ પિંઢાર દેવએ પાળેલા પશુંના સુખ: સમૃદ્ધિના દેવ છે. આદિવાસીઓના પશુ પ્રાણી કે જે આદિવાસીઓને ધન સંપદા, અન્ન સંપદા અને વન્ય સંપદા આપે છે. આદિવાસી જીવનશૈલી એટલે સંપૂર્ણ આખી સૃષ્ટિના બધાં જીવ જંતુ સાથે રહીને જીવન જીવવું અને બધાના આશીર્વાદ લઈને જીવન વ્યતીત કરવું. અને એવું જીવન વ્યતીત કરવા માટે પ્રકૃતિના તમામ દેવો પ્રત્યે પૂજ્ય ભાવ દાખવતો વ્યક્તિ એટલે આદિવાસી. અને એ આદિવાસીના દેવોમાંથી નો દેવ તે પિંઢાર દેવ. આ દેવ પાસે દૂધ આપતાં જનાવરો ગાય ભેંસ બકરી તેમજ ખેતીમાં કામમાં કામ આવતાં બળદ જેવાં પશુઓ સુખી રહે સલામત રહે..! અને ગાય ભેંસ ખૂબ ખૂબ દૂધ સંપતિ આપે એ માટે આ ડુંગરની આજુબાજુના વિસ્તારમાં રહેતાં લોકો આ ડુંગર ઉપર આવી શ્રદ્ધા ભાવ સાથે આ પેંઢાર દેવની પૂંજા કરે છે. અને પૂજા કરવા માટે કાર્તિક સુદ પૂર્ણિમા અને દેવદિવાળીના દિવસે વધુ પ્રમાણમાં લોકો અહી આ દેવના દર્શન કરવા આવે છે અને દેવ દિવાળીના દિવસે મેળો ભરાય છે.
પિંઢાર એટલે ગોપાલન એટલે કે પશુપાલન કરનારી કે પાળનારી જાતી. પિંડાર, પેંડાર કે પેંઢાર તેનો અર્થ થાય છે ગોપ, ગોવાળ કે ગોપાલ કે મહિપાલ એવો કરવામાં આવે છે. પેંડાર કે પિંડાર તે ગોપાલન, પશુપાલન, પશુ પાળનારી પ્રજા નો દેવ એટલે અહી પિંઢાર દેવ તરીકે ઓળખાય છે.
રગત વિહિરના પદ્માકર સહારે સાહેબના મત મુજબ આ દેવ અભિર ગવળીના ‘ પિંડાર એ કુળ દેવતા છે.’ અભીર લોકો ગાય પાળતા તેથી તે ગવળી કહેવાય છે. કળવણ તાલુકાના દરે ગાવ નાં ગવળી તે અસલ માં કુકણા જાતિનાં ભોપા છે જે શપ્ત શૃંગી દેવીના ડુંગર ઉપર વર્ષોથી પૂજા વિધિ અને ગઢ ઉપર ધજા ચઢાવે છે. આભિર વંશના રાજ્યથી આ પિલવા ડુંગર ઉપર પિંડાર દેવ વસેલો છે તેથી જ ત્યાં પાણીનાં કુંડ જોવા મળે છે.
આ પીલવા ડુંગરની તળેટીમાં વસેલું ચોરવણી ગામમાં ધાની નદી વહે છે. આ નદીના કાઠે એક પિંડાર દેવની પાઘડી આવેલી છે. લોકવાયકા પ્રમાણે એવુ કહેવાય છે કે.. આ ગાય, ભેંસ, બકરી, જેવા પશુનું રક્ષણ કરનાર પિંડાર દેવ ફરતાં ફરતાં આ ધાની નદીની કાંઠે પોતાની પાઘડી ઉતારી સ્નાન કરે છે. અને વહેલી સવારે કૂકડો બોલી જવાથી એટલે કે સવાર થઈ જવાથી ઉતાવળમાં આ પિંડાર દેવ પાઘડી ભૂલી જાય છે.અને આ પિંડાર દેવ પિલવા ડુંગર ઉપર આશરો લઈ લે છે.અને બિલકુલ આ બંને સ્થાનક સામ સામે દ્રષ્ટિ ગોચર થાય છે.અને તેથી પણ આ પિલવા ડુંગર અને તેની પાઘડીના સ્થળની ભવ્યતા દિવ્ય અને ઔલોકિક લાગે છે.
આ પિલવા ડુંગર ઉપર આજુબાજુના ગામોના લોકો વાઘ બારસનાં તહેવારના દિવસે પણ પોતાનાં વિસ્તારની પરંપરાગત રીત રિવાજ મુજબ નવું ધન ધાન્ય અને ફળ ફળાદી લાવી આ પેંઢાર દેવને ચઢાવે છે. શ્રીફળ વધેરીને ખેતીવાડી ઢોર ઢાંકરમાં કોઈ નુકશાનીના આવે તેની કામના કરે છે. અને ખેતીવાડીમાં બરકત આવે એવી માનતા માને છે. અહી આદીવાસી સંસ્કૃતિ મુજબ માવલીની પૂજા પણ કરવામાં આવે છે અને આદીવાસી ભગતો દ્વારા કંસરી માતાની કથા પણ ગાવામાં આવે છે. આ પ્રમાણે પેંઢાર દેવને આદીવાસી સંસ્કૃતિ મુજબ બધાજ દેવોની પ્રતિકૃતિ સ્વરૂપે આ દેવની પૂજા અર્ચના કરવામા આવે છે. સામાન્ય રીતે આદીવાસી સમાજમાં દેવ સ્થાનક ઉપર બકરા મરઘાંની બલી ચઢાવવામાં આવે છે પરંતુ આ દેવનાં સ્થાનક પાસે કોઈ આવા પશું પ્રાણીની બલી ચઢાવવામાં આવતી નથી. પરંતુ શ્રીફળ અને નવા વર્ષની ખેતી વાડીમાં જે પણ નવી ધન ધાન્ય, પાકો થાય તે આ પેંડાર દેવને ચઢાવવામાં આવે છે અને સુખ સમૃદ્ધિ અને સંપત્તિમાં બરકત આવે એવી પ્રાર્થના કરવામા આવે છે.
ખરેખર આ સ્થળ ની મુલાકાત લેતાં તેની મનોહર અને ભવ્ય સાંસ્કૃતિક વારસાનું ભાન કરાવે છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર અને આદીવાસી સંસ્કૃતિની મૂળ ધરોહર અને વારસાનું ભાન કરાવતું સ્થળ એટલે વાંસદા તાલુકામાં આવેલું પિલવા પેંઢાર દેવનું સ્થાનક.

