વ્યારા: તાજેતરમાં આદિવાસી વિસ્તારમાં આવતા તાપી જિલ્લાની એક માત્ર વ્યારા ખાતાની સરકારી હોસ્પિટલ ને ખાનગી કંપનીને આપી બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ માં ફેરવામાં આવી હતી. આ ખાનગીકરણના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ વાપી ગયો હતો. જેને પગલે UNO દ્વારા આદિવાસી સમાજ માટે જાહેર કરાવામાં આવેલ 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે સમગ્ર તાપી માંથી નાની નાની પદ યાત્રા સ્વરૂપે જિલ્લા કલેકટર વ્યારા ખાતે વિરોધ નોંધાવ્યો હતો.

હજુ આ એક હોસ્પિટલ નો વિરોધ થાય તે પહેલાજ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર વિભાગ ના બીજા પરિપત્રથી સમગ્ર અદિવાસી વિસ્તારમાં ખાનગીકરણ નો વિરોધ ઉગ્ર થયો છે. આ પરિપત્ર માં આદિવાસી વિસ્તાર ની હજુ ૬ જેટલી હોસ્પિટલો ને સ્વનિર્ભર બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજો માં ફેરવવાનો નિર્ણય લેવાયો છે. જેમાં (1) છોટાઉદેપુર (2) ડાંગ (3) ખેડા (4) આનંદ (5) અરવલ્લી (6) મહીસાગર વગેરે સરકારી હોસ્પિટલનો સમાવેશ થાય છે. આ બ્રાઉન ફિલ્ડ કોલેજ એટલે ગ્રામીણ વિસ્તારો અને આદિવાસી વિસ્તારોની સરકારી હોસ્પિટલો ને સાર્વજનિક હોસ્પિટલ કમ મેડિકલ કોલેજમાં રૂપાંતરિત કરવામાં આવે છે. જેથી મેડિકલ વિધાર્થીઓ માટે સંખ્યા વધારી શકાય અને સાથે સાથે સરકાર ની ગ્રાન્ટ માંથી તે હોસ્પિટલ ને અત્યાઆધુનિક બનાવી શકાય. પરંતુ ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં એક ભય નો માહોલ પેદા થયો છે કે ખાનગીકરણ ના લીધે બીજી ખાનગી હોસ્પિટલો ની જેમ અહીં પણ તોતિંગ બિલ આવશે તેવી ભીતિ સર્જાય છે.

જેને પગલે વ્યારા ખાતે ઉગ્ર વિરોધ થયો. પરંતુ વિરોધ સંપૂર્ણ થાય તે પહેલાજ ૬ જેટલી હોસ્પિટલને પણ બ્રાઉન ફિલ્ડ કોલેજ માં રૂપાંતરિત કરવાના પરિપત્ર બહાર પડતા આદિવાસી વિસ્તારમાં ‘બકરું કાઢતા ઊંટ પેઠું’ ની સ્થિતિ સર્જાઈ.