આહવા: આજરોજ 12 સપ્ટેમ્બર માસની દેશ આખામાં પોષણ માસ તરીકે ઉજવણી થઇ રહી છે. ત્યારે, આઇ.સી.ડી.એસ.ના મુખ્ય હેતુ એવા કુપોષિત બાળકોને સુપોષિત કરવાના સંદર્ભે તાજેતરમાં આહવા તાલુકાના અતિકુપોષિત બાળકોની આરોગ્ય તપાસનો કેમ્પ યોજાયો હતો.
DECISION NEWSને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આજરોજ ગુજરાત અભિયાન અંતર્ગત આહવા તાલુકાના અતિકુપોષિત બાળકોની આરોગ્ય તપાસનો કેમ્પ સરકારી આર્યુવેદિક હોસ્પિટલ ખાતે યોજયો હતો. જેમાં કુલ ૩૭ કુપોષિત, અને ૧૮ અતિકુપોષિત બાળકો મળી કુલ ૫૫ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય તપાસની સાથે સાથે આ બાળકોને સુવર્ણપ્રાસનના ટીપા પણ પિવડાવામાં આવ્યા હતા. બાળકોને બાલ અમૃત રસાયણ, અને અન્ય જરૂરી આર્યુવેદિક દવાઓ આપવામાં આવી હતી. આ આરોગ્ય કેમ્પમાં જિલ્લા આયુર્વેદિક અધિકારીશ્રી ડો. મિલન દશોદી દ્વારા બાળકોની તપાસ સાથે, બાળકોના વાલીઓને આરોગ્ય-પોષણ શિક્ષણ, THR-ટેક હોમ રાશનના પેકેટ્સના ફાયદાઓ, અને ડાંગના સ્થાનિક પોષ્ટિક ખાધપદાર્થ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. સમયાંતર બાળકોનું ફરી ચેકઅપ કરી નિયમિત ફોલોઅપ લઇ, વધુમાં વધુ બાળકોના પોષણ સ્તરમાં અપગ્રેડેશન થાય તેવા સઘન પ્રયત્ન કરવા જિલ્લા આયુર્વેદિક અધિકારીશ્રી દ્વારા જણાવાયુ હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા આયુર્વેદિક અધિકારીશ્રી, પ્રોગ્રામ ઓફિસરશ્રી, આયુર્વેદિક મેડિકલ ઓફિસરશ્રી, મુખ્ય સેવિકા બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, બાળકો, અને તેમના વાલીઓ સહિત બંન્ને શાખાના સહ કર્મચારીઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરી, સહિયારા પ્રયાસ થકી કુપોષણ મુક્ત ગુજરાત તરફ એક ડગલું આગળ વધારી, આહવા સેજાના કુપોષિત બાળકોને વિશેષ લાભ આપવામાં આવ્યો હતો.