રાજપીપળા: ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્વામિનારાયણ મંદિરના હોલમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સભા યોજી દોઢ કલાક સુધી મેરેથોન ભાષણ કરી ચાર વિરોધીઓ અને તેમની ટીમને પોતાનો અંગત લાભ મેળવી ભાજપના ભાગલા પાડનાર ગણાવ્યા હતા.ભરૂચ જિલ્લા ભાજપમાં હવે લોકસભાની ચૂંટણી ટાણે સાંસદ સામે બે ધારાસભ્યો, નર્મદા જિલ્લા પ્રમુખ અને તેમની આણી મંડળીની લડતનું રાજકારણ ચરમસીમાએ પોહચી ગયું છે.

DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ગતરોજ નેત્રંગ ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ યોજેલી સભામાં પણ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ઝઘડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈની તમામ પોલ ખોલી હતી. છોટુભાઈ વસાવા પણ રીતેશ, પ્રકાશ એન્ડ કંપનીથી દુઃખી હોય હવે આ લોકો ભાજપના ભાગલા પાડવા આવ્યા હોવાનું અને હવે બાપ બનવા માંગતા હોવાનું નિવેદન આપ્યું હતું. સાંસદ પોતે મંત્રી પદથી ઉતર્યા બાદ તેમના એકાઉન્ટમાં 700 રૂપિયા હતા અને આજે પ્રકાશ દેસાઈ, રીતેશ વસાવા, ઘનશ્યામ પટેલ, દર્શનાબેન પાસે શું છે તે જોઈ લો કહી, હું ઈંટનો જવાબ પથ્થરથી આપવા ટેવાયેલો હોવાનું કહ્યું હતું. મને જો છંછેડવાનો પ્રયત્ન કર્યો તો હું બધાના થિકરા સાફ કરી નાખીશ કહી. આ લોકસભા તો હું રમતા રમતા જીતવાનો છું. પ્રદેશમાં અને દિલ્હીમાં તેઓ સામે ષડયંત્ર રચતા વિરોધીઓને તેમના મોઢામાં આંગળા ન નાખવા તાકીદ કરી હતી.

મનસુખ વસાવાનો અવાજ એટલે ગરીબોનો અવાજ, 6 ટર્મથી પાર્ટી પણ જાણે છે. સુતેલા સિંહને ન છંછેડવા અને પોતે જુના રાજના વાઘ હોવાનું પણ સભામાં કહી નાખ્યું હતું. તેઓ સામે દુષ્પ્રચાર કરનારનું બેંક બેલેન્સ જોવા અને ઝઘડિયા ધારાસભ્ય તેમજ પ્રકાશ દેસાઈને તો મોટા કોંઢ ઉંદર કહી તેઓ ભાજપમાં બાકોરા પાડવાનું કામ કરી રહ્યાં હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. અંતમાં ભરૂચ સાંસદે કહ્યું હતું કે, આજે સભામાં નીડરો આવ્યા છે પણ ડરપોકો નથી આવ્યા.