ડાંગ: ભારતને કુપોષણ મુક્ત બનાવવાની નેમ સાથે દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને “પોષણ માહ” તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે “સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’’ થીમ પર સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડાંગ જિલ્લામાં ધણી આંગણવાડીમાં ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા લાઇફ સાઇકલ એપ્રોચને ધ્યાને લઇ કુપોષણમાં ઘટાડો થાય એ માટે વિવિધ યોજનાઓ દ્વારા પોષણ સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી. આ સંદર્ભે રાજ્યની સગર્ભા માતાઓ અને કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
DECISION NEWS ને મળેળ માહિતી મુજબ આંગણવાડીમાં ૩ થી ૬ વર્ષના આશરે ૧૬ લાખથી વધુ બાળકોને દૈનિક ૫૦ ગ્રામ ગરમ નાસ્તો અને ૮૦ ગ્રામ ગરમ રાંધેલું બપોરનું ભોજન તથા અઠવાડિયામાં બે દિવસ સિઝનલ ફ્રુટ આપવામાં આવે છે. ડાંગ જિલ્લામાં પણ ૨૪ હજાર ૩૮૭ બાળકોને આ લાભ અપાઈ રહ્યો છે. ટેક હોમ રાશનમાં હવે આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ કરી મૂલ્યવર્ધિત THRના પેકેટ્સ આપવાનો પાઇલટ પ્રોજેકટ અમલમાં મુક્યો છે. કુપોષણ નિવારણને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા ફુડ ફોર્ટીફિકેશની અસરકાર નીતિ અમલમાં છે. જે અંતર્ગત રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રના ૩ થી ૬ વર્ષના બાળકોને આંગણવાડી કેન્દ્રમાં અપાતા ગરમ નાસ્તા માટે વપરાતા ચોખામાં ફોર્ટીફિકેશન કરી, ફોર્ટીફાઇડ ચોખા આપવામાં આવ્યા હતા. તમામ આંગણવાડી કેન્દ્રોમાં વિટામીન–એ અને વિટામીન-ડીથી ફોર્ટીફાઇડ સીંગતેલ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા પુરુ પાડવામાં આવ્યા હતા.
આમ, સ્વસ્થ અને તંદુરસ્ત મહિલાઓ તેમજ સ્વસ્થ બાળકો દ્વારા તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય છે, એ બાબતનું મહત્વ સમજીને ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ તથા બાળકોના પોષણ અને સ્વાસ્થ્ય સંભાળ માટે અનેક સંવેદનશીલ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. જેનો લાભ છેવાડામાં વસતી મહિલાઓ તથા બાળકો લઈ રહ્યા છે. આ ઉપરાંત દૂધ સંજીવની યોજના રાજ્યના ૨૦ જિલ્લાના ૫૫ આદિજાતિ તાલુકાઓના ૧૦૬ ઘટકો અને ૨૪ વિકાસશીલ તાલુકાઓના ૩૬ ઘટકોમાં એમ કુલ ૧૪૧ ઘટકોમાં અમલમાં છે. જે અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલા ૬ માસથી ૬ વર્ષના બાળકોને અઠવાડીયામાં ૫ દિવસ ૧૦૦ મિલી.પેશ્યુરાઇઝડ ફલેવર્ડ ફોર્ટીફાઇડ દૂધ આપવામાં આવે છે. આ ઉપરાંત સગર્ભા, ધાત્રી માતાઓને અઠવાડીયામાં ૨ દિવસ ૨૦૦ મી.લિ પેશ્યુરાઇઝડ ફલેવર્ડ ફોર્ટીફાઇડ દૂધ આપવામાં આવે છે.

