ડાંગ: ગતરોજ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષાધિકારીની કચેરી દ્વારા વઘઇ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિતના અધ્યક્ષ સ્થાને શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજવામા આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાંવિતે જણાવ્યું હતું કે, ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારમાં શિક્ષકોએ શિક્ષણની જ્યોત જગાવી છે. આજે ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમા પ્રગતિ કરી રહ્યાં છે.

DECISION NEWS ને માહિતી મળેળ મુજબ ગતરોજ ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષા નિલમબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, શિક્ષક વિદ્યાર્થીઓને સાચી દિશા બતાવી તેઓના વ્યક્તિત્વને વિકસિત કરે છે. શિક્ષક પ્રેરણાનો સાગર છે. જે વિદ્યાર્થીઓના વ્યક્તિત્વને આકાર આપીને સારા નાગરિકનુ ઘડતર કરે છે. શિક્ષક દિન નિમિત્તે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઈના આચાર્ય ડો. બી.એમ.રાઉતે ભારતના રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન પ્રસંગો વર્ણવ્યા હતા. તેમજ તાલુકા લેવલના શિક્ષકો, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ઉપરાંત ‘કોમન એન્ટ્રન્સ ટેસ્ટ’ અને ‘મુખ્યમંત્રી જ્ઞાનસાધના’ મેરીટ સ્કોલરશીપ સ્થાન પામનાર વિદ્યાર્થીઓ તેમજ ડાંગ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ બોર્ડ પરીક્ષા દ્વારા ઝોનવાર પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી વિજયભાઈ દેશમુખે મહેમાનોનુ પ્રાસંગિક સ્વાગત તેમજ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી નરેન્દ્રભાઈ ઠાકરેએ કાર્યક્રમની આભારવિધિ આટોપી હતી.

આ પ્રસંગે સામાજિક કાર્યકર હીરાભાઈ રાઉત, સિદ્ધાર્થભાઈ, માધ્યમિક અને પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખો, સી.આર.સી-બી. આર.સી, તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા. શ્રેષ્ઠ શિક્ષકો સન્માન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો અને શિક્ષકો. જિલ્લાના આ શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક તરીકે બહુમાન કરાયું શિક્ષક દિન નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાએ મહેશભાઈ પઢીયાર, રમેશભાઈ ચમારભાઈ તેમજ તાલુકા કક્ષાએ મહેન્દ્રભાઈ ઠાકરે, કમલેશભાઈ ચૌધરીને, કલ્પનાબેન માહલા, હેતલબેન પટેલને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.