ચીખલી: આદિવાસી સમાજના પરંપરાગત પહેરવેશ પહેરી વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ગતરોજ ચીખલીમાં બિરસા આર્મીના પ્રદેશ અધ્યક્ષ પંકજભાઈ દેગામ અને નવસારી જિલ્લા પ્રમુખ પંકજભાઈ નેજા હેઠળ ડીજેના સંગીત સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી.
Decision News ને મળેલી વિગતો મુજબ આવેદનપત્રમાં આદિવાસીઓને વિસ્થાપિત કરતા પ્રોજેક્ટો તાત્કાલિક બંધ કરવા, પ્રકૃતિના રક્ષણ સાથે રોજગારી, આદિવાસીઓને જળ, જમીન અને જંગલના અધિકારો સ્થાપિત કરવા, આદિવાસીઓ ઉપર થતા અત્યાચાર, શોષણ બંધ કરવા, જાતિના દાખલામાં પડતી મુશ્કેલી દુર કરવા, આદિવાસી બાળકો માટે ગુણવત્તાસભર શિક્ષણ, શિક્ષકોની ઘટ પુરવા, શાળાના ઓરડાઓનું નિર્માણ અને યુનિફોર્મ સિવિલ કોડ નામનો કાયદામાંથી આદિવાસીઓને બાકાત રાખવાની માંગણી કરવામાં આવી હતી.
બિરસા આર્મીના જિલ્લા પ્રમુખ પંકજભાઈએ જણાવ્યું કે મોટા શહેરોમાં કરોડપતિઓના નબીરાઓ અકસ્માત કરે છે અને જેના પૈસા પોલીસ મજુરો પાસે વસુલે છે તે ચલાવી લેવાશે નહીં. નાના લોકોને પોલીસ મેમો ફટકારી દંડ વસૂલે છે ત્યારે મજૂર વર્ગને હેરાન નહીં કરવાનું જણાવી પોલીસ દ્વારા મેમો ફટકારવાનું બંધ નહીં કરાશે તો આવનારા સમયમાં આંદોલન છેડવાની ચીમકી આપી હતી.