ખેરગામ: સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ દ્વારા ખેરગામ તાલુકામાં યોજાનાર વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં આવનાર અંદાજિત 7-10 હજારની ભીડને જમાડવા પ્રાયોજના વહીવટદાર કચેરી, વાંસદા પાસે ગ્રાન્ટ ફાળવવાની માંગણી કરી હતી.
1994 માં દક્ષિણ અમેરિકાના બ્રાઝીલના રીઓ-ડી-જાનેરો માં યોજાયેલ સંયુક્ત રાષ્ટ્ર પરિષદે વિશ્વમાં વધી રહેલા પ્રદુષણથી ઉભા થયેલ જીવસૃષ્ટિના અસ્તિત્વના જોખમને ટાળવાના ઉમદા આશયથી દરવર્ષની 9 મી ઓગસ્ટને “વિશ્વ આદિવાસી દિવસ” તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવેલ હતી જેનો મુખ્ય હેતુ સમગ્ર વિશ્વ સમક્ષ જળ,જંગલ,જમીનની જાળવણી માટે આદિવાસી સંસ્કૃતિનું મહત્વ કેટલું છે તે સમજાવવાનો હતો. ત્યારબાદ દરવર્ષે સમગ્ર વિશ્વમાં વિવિધ આદિવાસી જાતિઓ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરવર્ષે રંગે-ચંગે કરવામાં આવે છે અને છેલ્લા 6-7 વર્ષોમાં તો આ દિવસ આદિવાસી સમાજ માટે એક મોટો તહેવાર સમાન બની ગયેલ છે. ખેરગામમાં પણ દરવર્ષે હજારોની સંખ્યામાં આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતાં હોય છે, ત્યારે આ વર્ષે ખેરગામ એપીએમસી માં પ્રાયોજના વહીવટદાર કચેરી વાંસદાના ઉપક્રમે આદિવાસી સમાજના લાભાર્થે યોજાનાર કાર્યક્રમમાં હાજર રહેનાર અંદાજિત 2000 લોકો સિવાય સમાજની ભવ્ય રેલીમાં જોડાનાર મોટી સંખ્યામાં ઉપસ્થિત અંદાજિત 7-10 હજાર લોકોની ભીડને પણ જમાડવાની પણ માંગણી આદિવાસી સમાજના આગેવાનો વતી ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
આ બાબતે Decision News સાથેની વાતચીતમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું કે એમ તો ખેરગામ અને આસપાસના આદિવાસી લોકો ભલે પરિસ્થિતિથી સામાન્ય હશે પરંતુ દિલથી અમીર છે અને દર વર્ષની જેમ પોતાનું જમવાનું પોતાની રીતે બનાવવા શક્તિમાન જ છે,પરંતુ કાર્યક્રમ જ આદિવાસીઓના લાભાર્થે થવાનો હોય તો માત્ર 2000 જ લોકો પૂરતો જમણવાર સીમિત નહીં રહેવો જોઈએ કારણકે રેલીમાં આવનાર અંદાજિત 7-10 હજાર લોકો પણ આદિવાસી સમાજના જ લોકો છે.ઉપરોક્ત વિષય બાબતે ઠેર ઠેર રૂબરૂ અથવા મિટિંગોમાં ચર્ચાઓ નીકળી છે કે ટ્રાયબલ સબપ્લાનની ગ્રાન્ટ આપણા તમામ આદિવાસીઓ માટે ભેદભાવ વગર સરખી રીતે વપરાવી જોઈએ.જો પ્રાયોજના વહીવટદાર કચેરી વાંસદા દ્વારા ઉપરોક્ત સૂચવેલ અંદાજિત ભીડને જમાડવાની ક્ષમતા નહીં હોય તો 5/8/23 સુધીમાં લેખિતમાં કારણો સહિત જાણકારી આપવી પડશે. જો અમોને ઉપરોક્ત તારીખ સુધીમાં લેખિતમાં જવાબદારી નહીં આવે તો વાંસદા કચેરી દ્વારા 7-10 હજાર લોકોના જમણવાર માટે હાં છે એવું સમજવામાં આવશે. અને એમ જોઈએ તો જમણવારમાટે ના પાડવા માટે કચેરીના અધિકારી પાસે એવું કોઈ યોગ્ય કારણ નથી એવું અમારા તમામનું માનવું છે.

