વલસાડ: હાલમાં જ વલસાડના ડુંગરી રેલવે ઓવરબ્રિજની માટી ધસી પડવાને લઈને સવાલ પૂછતાં વલસાડના એક જાગૃત નાગરિકને ધારાસભ્ય ભરત પટેલ પર જાહેરમાં ગાળાગાળી કરી માર મારવાની ધમકી આપ્યાનો આક્ષેપ કર્યાનો કિસ્સો બહાર આવ્યો છે.

એવું જાણવા મળ્યું છે કે ડુંગરી રેલવે ઓવરબ્રિજની માટી ધસી પડવાને લઈને વલસાડના નિલય ખારાએ મીડિયા સાથે વાતચીત કરી ધારાસભ્યની કામગીરીને લઈ સવાલો ઉઠાવ્યા હતા. તેમના આક્ષેપ હતા કે હું જ્યારે મારા પુત્રને વલસાડની અતુલ સ્કૂલે લેવા ગયો હતો ત્યારે ધારાસભ્ય પણ ત્યાં આવ્યા હતા. ધારાસભ્ય ભરત પટેલે મને આવીને કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની યોજનામાં સ્થાનિક ધારાસભ્ય તરીકે મારું નામ શા માટે ઉછાળે છે ? તેમ કહી ઉગ્ર બોલાચાલી કરી હતી અને ગાળો કાઢી મારવાની ધમકી આપી હતી.

નિલય ખારાનું કહેવું છે કે મેં આ વિરુદ્ધ આ મામલામાં વલસાડ એસપી સમક્ષ અરજી કરીને ધારાસભ્ય સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. ત્યારે ધારાસભ્ય ભરત પટેલે ધમકી આપ્યાની વાતને પાયાવિહોણી ગણાવી છે અને જે બ્રિજની વાત છે તે બ્રિજ કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી બન્યો હોવા છતા તેઓનું નામ ખોટી રીતે લેવામાં આવતું હોવાનું જણાવ્યું.