ચીખલી: આરોગ્ય ધામોમાં પણ ભ્રષ્ટાચાર થયાની પોલ વરસાદ ખોલી રહ્યો હોય તેમ ચીખલી તાલુકાના 8મી એપ્રિલ 2023ના રોજ લોકાર્પણ થયેલ ધેજ ગામમાં 1.02 કરોડનાં ખર્ચે બનેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ત્રણ જ મહિનામાં દિવાલમાં પણ ઠેર ઠેર ભેજ જામી રહ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ધેજ ગામમાં 1.02 કરોડનાં ખર્ચે બનેલા સુવિધાજનક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બધી જ દીવાલ પર ભેજ જામેલી તમે જોઈ શકો છો અને બધી જ બારીઓમાંથી પાણી અંદર આવી રહ્યું હોવાની બુમો સંભળાઈ રહી છે. તેના કારણે પાણી રૂમમાં આવતા કમ્પ્યૂટર ઉપરાંત ફર્નિચરોને સુરક્ષિત રાખવાની નોબત આવી છે. એક દિવાલમાં એમસીબી સ્વીચનું ઈલેક્ટ્રીક બોર્ડ છે ત્યાં પણ ભેજ હોવાથી ફોલ્ટ સાથે અકસ્માત પણ સર્જાઈ શકે તેવી સ્થિતિના દ્રશ્યો સામે આવ્યા છે.

આ ભેજવાળી દીવાલો પરથી પ્લાસ્ટરનાં પોપડા પડવામાં હવે બહુ સમય નહિ લાગે અને એક દરવાજાના કાચ પણ તૂટી ગયો છે. લોકાર્પણની તકતીમાંથી અક્ષરો પણ અદ્રશ્ય થયા છે. આ ઉપરાંત PHCમાં પીવાના શુદ્ધ પાણી માટે આરઓ પ્લાન્ટ ફીટ કરાયો હતો તે પણ દેખાવા પુરતો જ છે અને પાણીની ટાંકીમાંથી શુદ્ધ થયા વિના સીધુ જ આવતું જોવા મળે છે એમ દર્દીઓ દ્વારા કહેવાય રહ્યું છે.