ડેડિયાપાડા: આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર ભાઈએ વસાવાએ જણાવ્યું હતું કે મણીપુર રાજ્યમાં છેલ્લા અઢી માસથી જાતિય હિંસા ચાલુ છે. 150 લોકોની હત્યા થઈ છે. 60,000 લોકો વિસ્થાપિત થયા છે. લોકો જંગલમાં ભાગી ગયા છે. ગામડાંઓ આગથી બળી રહ્યાં છે. કુકી અને મેઈતી સમાજ વચ્ચે જાતિય હિંસા થઈ રહી છે. તાજેતરમાં કુકી સમાજની બે મહિલાઓ નિર્વસ્ત્ર કરીને જુલૂસ કાઢીને તેમનું યૌન શોષણ કર્યું હતું. જેથી ઉમરગામથી અંબાજી સુધીના 14 જિલ્લામાં અને 52 તાલુકામાં મણીપુરની ઘટના બાબતે બંધનું એલાન આપ્યું હતું તે સફળ થયું છે.
આદિવાસી વિવિધ સંગઠનો, કોંગ્રેસ, બીટીપી, આદિવાસી સમાજ દ્વારા આજે સજ્જડ બંધ પાળવામાં આવ્યું છે. મણીપુર રાજયને ન્યાય અપાવવાનો છે. મણીપુર રાજ્યની મહિલાઓ અને લોકોને ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં બંધનું એલાન આપીશું? સડક પર ઉતરીશુ અને મણીપુરને ન્યાય અપાવીશું એમ આમ આદમી પાર્ટીના ધારાસભ્યે આક્રોશ સાથે જણાવ્યું હતું. વિવિધ બજારોબંધ રહ્યા હતા. લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યું હતું. અને વેપારીઓએ પોતાની દુકાનો સ્વેચ્છાએ બંધ રાખી હતી. સાગબારા તાલુકા મથક અને વેપાર મથક સેલંબા પણ જડબેસલાક બંધ રહ્યું હતું. બજારો બંધ રહ્યા હતા. આદિવાસી સમાજ દ્વારા અપાયેલ બંધના એલાનને પગલે ગામેગામ બજાર સવારથી જ સંપુર્ણ બંધ રહ્યું
દેડિયાપાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. જે. પંડયા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાગબારા અને સેલંબા ખાતે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દેડિયાપાડા, સાગબારા, સેલંબા શાંતિપૂર્ણ માહોલમાં બંધ રહ્યું હતું અને બંધના એલાનને અભૂતપૂર્વ સફ્ળતા મળી હતી.

