ચીખલી: આજના સમયમાં સોશિયલ મીડિયાના કારણે કોઈને શુભેચ્છા આપવી, કોઈને જન્મ દિવસની શુભકામના પાઠવવી કે સવારના સમયે કોઈને ગુડ મોર્નિંગ નો મેસેજ કરવો એ સામાન્ય બની ગયું છે ત્યારે આ જ વસ્તુ ક્યાંક ઝઘડાનું અને મારામારીનું સ્વરૂપ પણ ધારણ કરી લે છે. આવો જ એક કિસ્સો ચીખલીના સાદડવેલ ગામમાંથી સામે આવ્યો છે.
Decision News ને સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ચીખલીના સાદડવેલ ગામે રહેતા દિલીપ (નામ બદલેલ છે) નામના યુવાને શીલા (નામ બદલેલ છે) નામની પરણિત મહિલાને ‘ગુડ મોર્નિંગ’ નો મેસેજ કર્યો હતો આ મેસેજ વાંચી તેનો પતિ કિશોર (નામ બદલેલ છે) ગુસ્સામાં આવી ગયો. અને યુવાને મારી પત્ની પર મેસેજ કેમ કર્યો એમ કહી ગાળો દઈ માર આપ્યો હતો. આ એક મેસેજથી મારામારીની ઘટના બનતા આ મામલો ચીખલી પોલીસ સ્ટેશને પોહ્ચ્યો છે.
પરણીતાના પતિએ સાદડવેલમાં સવારે આઠ વાગ્યાની આસપાસ ચાર રસ્તા પાસે ઉભા રહેલા યુવાનને ‘મારી પત્નીને ગુડ મોર્નિંગનો મેસેજ કેમ કરે છે’ તેમ કહ્યું.. યુવકે કહ્યું.. તમારી પત્ની મારી કુટુંબિક સગામાં છે. મેં મારી પત્નીની હાજરીમાં ગુડ મોર્નિંગ મેસેજ કર્યો છે. કોઈ ખરાબ તો મેસેજ કર્યો ન હતો છતાં ગુસ્સામાં પતિએ યુવાનને ગાળ આપી ઢીબી નાખ્યો હતો. અને ધમકી આપી હતી કે બીજી વખત મળતો નહિ.. નહિ તો જાનથી મારી નાખીશ. યુવક મારથી ઘાયલ થતાં ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. પોલીસે IPC કલમ 323,504,506(2) હેઠળ ગુનો નોંધી ઘટના મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.

