નવસારી: વિજલપોર પાલિકા ટાઉન હોલની નિર્માણાધીન સાઈટ પર રેતીના ઢગલા પર ચઢી હાઈ ટેન્શન લાઈનના 66 kv જીવંત પકડી લેતાં બે વિદ્યાર્થીઓને કરંટ લાગવાની ઘટના બનતા લોકનેતા અનંત પટેલે વિદ્યાર્થીઓની મુલાકાત લઇ સ્વાસ્થય વિશેની માહિતી મેળવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ નવસારીના દેવીના પાર્કમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કન્યા શાળા નં. 3 માં ધોરણ 6 ના વિદ્યાર્થી નિલેશ દેવીપૂજક અને ધોરણ 5 માં ભણતા અર્જુન દેવીપૂજક  રીસેસમાં ઘરે જમવા ગયા હતા તે જમીને આવતી વખતે નવસારી પાલિકાના ટાઉન હૉલની સાઈટ 66 kv ની હાઈ ટેન્શન લાઈનની નીચે કરેલા 20 ફૂટ ઊંચા રેતીના ઢગલા પર ચઢી ત્રણથી ચાર ફૂટ ઊંચા જીવંત વીજ તારને પકડી લેતા કરંટ લાગવાની ઘટના બની હતી.

કરંટ લાગવાથી બંને વિદ્યાર્થીઓ ફેંકાઈ ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેની ગતરોજ લોકનેતા અનંત પટેલ ઘટના સ્થળની મુલાકાત લઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ બંને બાળકોની ખબર કાઢવા ગયા હતા અને બાળકોના પરિવારજનો અને ડોક્ટર પાસેથી તેમના સ્વાસ્થ્ય વિશેની માહિતી મેળવી હતી.