ગુજરાત: નવું શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ પણ હજુ સુધી રાજ્યની સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોની ભરતી થઈ નથી. ત્યારે છેલ્લા ઘણા સમયથી સંઘો- સંચાલકો શિક્ષકોની માંગણી સામે અંતે સરકારે પ્રવાસી શિક્ષક યોજના રદ કરીને જ્ઞાન સહાયક શિક્ષક યોજના લાગુ કરવા આજે ઠરાવ કરી દીધો છે.
Decision Newsએ મેળવેલી માહિતી મુજબ આ યોજનામાં હવે રાજ્યની સ્કૂલોમાં 11 માસના કરારથી ટેટ અને ટાટ પાસ હોય તેવા ઉમેદવારોની જ્ઞાન સહાયક તરીકે ભરતી કરાશે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 26, 500 જેટલા જ્ઞાન સહાયકોની નિમણૂંકો થશે. જેમાં પ્રાથમિકમાં 15 હજાર અને ધોરણ 9થી 12માં 11,500 જ્ઞાન સહાયકો હંગામી ભરતી થશે.
જ્ઞાન સહાયક યોજના માટે સરકારે કરેલા ઠરાવ મુજબ રાજ્યની પ્રાથમિક ગ્રાન્ટેડ-સરકારી સ્કૂલોમાં ટેટ-2 પાસ ઉમેદવારો, માધ્યમિક સરકારી તેમજ ગ્રાન્ટેડ સ્કૂલોમાં ટાટ સેકન્ડરી પાસ અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ટાટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની જ ભરતી કરાશે.
અત્યાર સુધી સ્કૂલોમાં ટેટ-ટાટ પાસ ન હોય તેવા શિક્ષકોને પણ પ્રવાસી શિક્ષકો તરીકે મુકવામા આવતા હતા અને દર વર્ષે 11 માસના કરારથી પ્રવાસી શિક્ષકોની ભરતી થતી હતી.
રાજ્યમાં શિક્ષકોની હજારો જગ્યાઓ ખાલી હોવા છતા અને અભ્યાસને અસર થતી હોવા છતાં આ વર્ષે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયા બાદ પણ સરકારે પ્રવાસી શિક્ષકોની મંજૂરી ન આપી હતી. ત્યારે સંચાલકો- સંઘોની પ્રવાસી શિક્ષકોની મંજૂરી આપવાની ઉગ્ર માંગ છતાં પણ સરકારે જ્ઞાન સહાયક યોજના હેઠળ જ હંગામી શિક્ષકો મુકવા ઠરાવ કરી દીધો છે. આ યોજના અંતર્ગત પ્રાથમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયકોને 21 હજાર, માધ્યમિકમાં 24 હજાર અને ઉચ્ચતર માધ્યમિકમાં 26 હજાર રૂપિયા માસિક વેતન અપાશે.