વાંસદા: બે દિવસ પહેલા જ વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામમાં પિયરમાં રહેતી 30 વર્ષીય પરિણીતાને તેનો પતિ રાખવા માંગતો ન હોવાથી મનદુ:ખ થતાં પરિણીતા એ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવાનો કિસ્સો સામે આવ્યો હતો.

Decision News ને મળેલી જાણકારી મુજબ વાંસદાના ખાટાઆંબા ઘુંટીયા ફળીયાની મેઘા પવારએ ડાંગના સુમિતકુમાર સુમનભાઇ ચવધરી સાથે વર્ષ ૨૦૧૫ કોર્ટ મેરેજ કર્યા હતા. બંને ખાટાઆંબામાં જ પતિ-પત્ની તરીકે રહેતા હતા. છેલ્લા દોઢેક માસથી સુમિતકુમારે પત્નીના પિયરમાં રહેવાનું બંધ કરી પોતાના ઘરે લાછકડીમાં રહેવા લાગ્યો હતો ત્યારે મેઘા પણ લાછકડી સાસરીમાં જતી અને ફરી પિયરમાં રહેવા જતી આમ ચાલતું હતું. એકાદ અઠવાડિયા પહેલા મેઘાને સસરા લેવા માટે ખાટાઆંબા આવ્યા ત્યારે ફરીથી સાસરીમાં ત્રણેક દિવસ રહીને મેઘા પાછી પિયરમાં આવતી રહી હતી.

આ બાબતે પરિવારે પૂછતા તેણે પરિવારને આપવીતી કહેતાં જણાવ્યું કે દોઢ મહિનાથી તેનો પતિ સુમિત ડાંગના  ગલકુંડ ગામમાં જયાં પ્રવાસી શિક્ષક તરીકે નોકરી કરતો હતો ત્યાંથી તેમના ઘરે આવતો ન હતો. આ બનાવને લઈને મેઘાને લાગ્યું કે પતિ સુમિત તેને રાખવા રાખવા માંગતો નથી. આ વાતનું મેઘાને માઠું લાગી આવતા પોતાના ઘરમાં નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. હાલમાં મેઘાના પરિવારજનોએ આ આત્મહત્યા પાછળના સત્ય જાણવા વાંસદા પોલીસ પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરી ફરિયાદ નોંધાવી છે.